ગાંધીનગર. ગુજરાતમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે ગુરૂવારે સાંજે વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતાં વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 281 દર્દીઓ થઈ ગયા છે.

એક જ દિવસમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો, પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 21, રાજકોટમાં 2 અને કચ્છમાં 2 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142 કોરોનાના દર્દી થઈ ગયા છે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઈ રહ્યો છે અને આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે. હાલ 215 સારવાર હેઠળ છે જેમાં 212ની હાલત સ્થિર અને 3 દર્દી વેન્ટીલેટર પર છે.

છેલ્લા 24 કલાકમાં 1977 ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 78 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા છે અને 356 રિપોર્ટ પેન્ડિગ છે. ચારેય કોવિડ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. તેમજ 26 જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડો હોસ્પિટલ શરૂ કરી છે. 6000 બેડ અને 1000 વેન્ટીલેટરની પણ વ્યવસ્થા છે. ખાનગી ડોકટરોને OPD શરૂ કરવા કહ્યું છે.