ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, ગુજરાત સરકાર કોઇપણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય.
આ પહેલાં ગુજરાત સરકાર પાસે હાઈકોર્ટે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારોમાં કોરોનાના નિયમોનું પાલન કરાશે એ અંગેની ખાતરી માંગી હતી. કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે. આ અરજી અંગે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ? ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. તમે બધાને રાજી ન રાખી શકો, લોકો નિરાશ થાય તેનો વાંધો નહીં.
(ફાઇલ તસવીર)
ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર લોકોના નિરાશ થવાની ચિંતા ન કરે. લોકો 1 વર્ષ પછી પણ તહેવાર ઉજવી શકે છે. ઉત્તરાયણ દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી નિર્દેશ જારી કરવામાં આવે તેવી માંગ કરતી જાહેરહિતની અરજી પર સમયના અભાવે સુનાવણી થઈ શકી નહીં પરંતુ 8 જાન્યુઆરીના રોજ આ અરજી પર સુનાવણી છે. હાઈકોર્ટે આ મુદ્દે એડવોકેટ જનરલને સરકાર પાસેથી નિર્દેશ લેવાનો આદેશ કર્યો છે.