ગુજરાતમાં કોરોના કાળમાં એક તરફ નાઈટ કરફયુ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે તે સમયે અનેક ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. કોરોના સંક્રમણ વધતા ગામડાઓ વધારે સતર્ક થયા છે. રાજ્યના દાહોદ અને તાપી સહિતના જિલ્લાઓના ગામડાઓમાં લોકો દ્વારા સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 


મહાનગરો બાદ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કોરોનાના કેસ ચિંતાજનક સામે આવતા લોકો હવે સતર્ક બન્યા છે. દાહોદ જિલ્લામાં વધુ ત્રણ ગામડાએ સ્વૈચ્છિક બંધનું એલાન આપ્યું છે. ફતેપુરા તાલુકાના કાળીયા, વલુંડા અને કરોડિયા પૂર્વ ગ્રામપંચાયતે આવતીકાલથી 10 દિવસ સુધી સ્વૈચ્છિક બંધનું પાલન કરશે. કાળીયા, વલુંડા અને કરોડિયા ગામમાં બપોરે એક વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. એક વાગ્યા બાદ ગામના લોકો સ્વૈચ્છિક બંધનું પાલન કરશે. 


આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ કોરોનાના કેસ વધતા લોકો હવે વધુ જાગૃત થયા છે. ઉમરેઠના લીંગડા ગામના લોકોએ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે. લીંગડા ગ્રામ પંચાયતે બપોરે 12 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ગામના લોકો આગામી 10 દીવસ સુધી આ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરશે. આણંદ જિલ્લામાં ઉમરેઠ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 



તાપી જિલ્લાના સોનગઢ નગરના વેપારીઓએ  સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.  તારીખ 6 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી નગરની દુકાનો 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા અપીલ કરવામાં આવી છે.  જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ આ નિર્ણય લેવામાં આવ્ છે.  સોનગઢ નગર આવતીકાલથી બોપર બાદ બંધ રાખવા વેપારીઓનો નિર્ણય છે.


રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14  લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2024  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81  ટકા છે.