ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા હોવાની સત્તાવાળા દ્વારા ચેતવણી અપાય છે પણ વાસ્તવમાં કોરોનાના વધી રહેલા કેસોને જોતાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોય એવું છે.


ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને 21 ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં ચાર મોટાં શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પૈકી ગુજરાતના 6 જિલ્લા આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગરમાં કોરોનાના કેસો સતત વધ્યા છે. આ છ જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસ લોકોની પણ ચિંતા વધારી રહ્યા છે.


સત્તાવાર રીતે પ્રાપ્ત આંકડા પ્રમાણે  21 ડીસેમ્બરથી 27 ડિસેમ્બર વચ્ચે આણંદમાં કોરોનાના નવા 28 કેસ, ગાંધીનગરમાં કોરોનાના નવા 16 કેસ, કચ્છમાં કોરોનાના નવા 23 કેસ, ખેડામાં કોરોનાના નવા 26 કેસ, વલસાડમાં કોરોનાના નવા 33 કેસ, નવસારીમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા.


ડીસેમ્બરના અંતમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં  28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે 6 દિવસમાં આ જિલ્લાઓમાં કોરોનાના કેસ સતત વધ્યા છે. આ પૈકી આણંદમાં કોરોનાના નવા 138 કેસ, ગાંધીનગરમાં કોરોનાના નવા 101 કેસ , કચ્છમાં કોરોનાના નવા 85 કેસ, ખેડામાં કોરોનાના નવા 124 કેસ, વલસાડમાં કોરોનાના નવા 90 કેસ અને  નવસારીમાં કોરોનાના નવા 65 કેસ નોંધાયા છે. મતલબ કે આ રાજ્યોમાં નવસારીમાં કોરોનાના નવા કેસોમાં ત્રણ ગણાથી લઈને 27 ગણા સુધીનો વધારો થયો છે.


રાજ્યમાં હજુ કેટલાક જિલ્લામાં કોરોનાના કેસ નથી આવ્યા પણ લોકો સતર્ક ના રહે તો આ જિલ્લાઓમાં પણ આગામી સમયમાં કેસો આવી શકે છે. લોકોએ પોતાની જવાબદારી સમજીને ચુસ્તપણે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.


રાજ્યમાં રાજકીય અને સામાજિક કાર્યક્રમો, રેલીઓ અને માસ્ક વિના લોકોના મેળાવડાના પરિણામે કોરોનાના કેસ વધી રહ્યા છે છતાં હજુ પણ આ પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાતો નથી એ આશ્ચર્યજનક છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 631 , સુરત કોર્પોરેશનમાં 213,  વડોદરા   કોર્પોરેશનમાં 68 , રાજકોટ કોર્પોરેશનમાં વલસાડ 40, રાજકોટ કોર્પોરેશનમાં 37, આણંદ 29, ખેડા 24, રાજકોટ 24, ગાંધીનગર કોર્પોરેશનમાં 18, ભાવનગર કોર્પોરેશનમાં 17, ભરુચ 16, નવસારી 16, અમદાવાદ 13, મહેસાણા 12, મોરબી 12, સુરત 12, કચ્છ 11, ગાંધીનગર 10, જામનગર 9, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 7, મહીસાગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી 3, સુરેન્દ્રનગર 3, તાપી 3, દેવભૂમિ દ્વારકા 2, અરવલ્લી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, દાહોદ 1, જૂનાગઢ 1 અને પોરબંદરમાં 1  નવો કેસ નોંધાયો છે.