ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. ત્યારે વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 176 પર પહોંચ્યો છે. જામનગરના 14 મહિનાના કોરાનાના પોઝિટિવ બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકને 5 તારીખે એડમિટ કરવામાં આવ્યો હતો.

બાળકનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોર, હાર્ટ અને કિડનીના ફેઈલ‌ થવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. બાળક જ્યારથી એડમિટ કરવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી વેન્ટિલેટર પર જ હતું. દાખલ થયેલા ત્યારથી સ્થિતિ નાજુક હતી. ડોક્ટરો દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતાં પરંતુ તેમના હાર્ટ અને કિડની પર પહેલેથી જ અસર હતી. લગભગ એક દિવસથી બાળકની પરિસ્થિતિ વધુ ગંભીર થવાથી આજરોજ બાળકનું મોત થયું છે.

આ પહેલા પાટણ અને સુરતમાં પણ એક-એક કોરોના દર્દીના મોત થયા હતા. સુરતના રાંદેરમાં 52 વર્ષીય રશીદ પઠાણનું મોત થયું હતું. જ્યારે પાટણમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતા 45 વર્ષીય યુવકનું ધારપુર સિવિલમાં મોત થયું હતું.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 29 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 175 પર પહોંચી છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 15 પર પહોંચ્યો છે.