ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ આવ્યાં બાદ હવે પાટણમાં કોરોનાનો પહેલો કેસ નોંધાય છે. ત્યારે રાજ્યનો કુલ આંકડો 98 પર પહોંચી ગયો છે. જ્યારે 9 લોકોનાં મોત નિપજ્યાં છે.

રાજ્યના કોરોના દર્દીઓના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે હવે એવા જિલ્લાઓમાંથી પોઝિટિવ કેસોના સમાચાર આવી રહ્યાં છે જ્યાંથી અત્યાર સુધીમાં કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નહોતો.

આમ પાટણ જિલ્લામાંથી કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. પાટણના ભીલવણ ગામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેને ધારપુર હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર, પાટણ જિલ્લાનો ભીલવણ ગામનો આ યુવક 15 માર્ચના રોજ મુંબઈથી પરત આવ્યો હતો. જોકે અત્યાર સુધી જિલ્લામાંથી કોઈ રિપોર્ટ પોઝિટવ ન આવતાં રાહતનો શ્વાસ લઈ રહેલા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

અમદાવાદમાં કોરોના વાયરસના 38 કેસ નોંધાયા છે. સુરતમાં 12, રાજકોટમાં 10, વડોદરામાં 9,ભાવનગરમાં 9 ,પોરબંદરમાં 3, ગીરસોમનાથમાં 2,કચ્છમાં 01, મહેસાણામાં 01, પંચમહાલમાં 1 અને પાટણ જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 9 લોકોના મોત થયા છે.