પહેલા તબક્કામાં માસ્ક ન પહેર્યું હોય તો ગુજરાત સરકારે રૂપિયા 200 દંડ લેવા નક્કી કર્યુ હતું. જોકે બાદમાં આ દંડમાં રૂપિયા 300નો વધારો કરી રૂપિયા 500 દંડ લેવા નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, માસ્ક ન પહેરનારા સામે વધુ દંડ લેવો જોઈએ.
હાઈકોર્ટના આ આદેશ બાદ ગુજરાત સરકારે આજે માસ્ક ન પહેરો તો રૂપિયા 1 હજાર દંડ લેવાનું નક્કી કર્યું છે. માસ્ક ન પહેરવાના દંડમાં રૂપિયા 500નો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.
ઓગષ્ટ મહિનામાં તહેવારો છે ત્યારે લોકો વધુ સાવચેત રહે. આમ કોરોનાના વધતાં જતાં સંક્રમણને રોકવા રાજ્ય સરકારે માસ્ક ન પહેરનારાં સામે કડક નિયમ બનાવ્યો છે અને રૂપિયા 1 હજાર દંડ લેવા નક્કી કર્યું છે.
સીએમએ અપીલ કરી કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં લોકો બહાર નીકળીને ભીડ ભાડ ના કરે, કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો માનવે તેવો અનુરોધ છે.