રેન્જ IG અશોક યાદવે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો મળી 17 લોકોએ ભાગ લીધો હતો. આ 17 લોકોમાંથી એકનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર મુજબ, તબલીઘી જમાતના 76 લોકો આ કાર્યક્રમમાં ગયા હતા. સુરત મહાનગરપાલિકાએ 72 લોકોને શોધી કાઢ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે. હાલ મળેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.
આ મામલે ભાવનગર જિલ્લા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ ઉપરાંત ભાવનગર રેન્જના આઈજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટીન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
તબલીઘીના કાર્યક્રમમાં ગયેલા 76 લોકો અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 76 સુરતીઓ દિલ્હી ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું હતું કે, આ લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ન ફેલાય.