અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. કોરોનાને નાથવા રાજ્યમાં રસીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આજે કોરોના રસીકરણમાં ગુજરાતે ઇતિહાસ રચ્યો છે.
સીએમઓ ગુજરાતના ટ્વીટ પ્રમાણે, રાજ્યમાં આજે 8 લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 1.34 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ઉપરાંત અત્યાર સુધીમાં 4.62 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં પણ રસીકરણનો રચાયો ઈતિહાસ
કોરોના સંક્રમણ ચાલી રહેલા જંગમાં ભારતે આજે ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. દેશમાં આજે ફરી એક વખત એક કરોડથી વધારે લોકોનો કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. આજના દિવસે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા દેશમાં તાજેતરમાં 1.09 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી પરંતુ આજે આ આંકડો વધુ આગળ વધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ખુશી વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે.
માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું, દેશે સ્થાપિત કર્યો નવો કીર્તિમાન, પીએમ મોદીના સૌને વેક્સિન, મફત વેક્સિન અભિયાન અંતર્ગત 1.09 કરોડથી વધારે ડોઝના પાછલા રેકોર્ડને તોડતાં આજે નવો કીર્તિમાન બનાવ્યો છે. આજે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તમામ દેશવાસીઓને અભિનંદન.