અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણથી (Gujarat Corona Cases) સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આ દરમિયાન રાજ્ય પર હાલ તૌકતે વાવાઝોડાનું (Cyclone Tauktae )સંકટ તોળાઇ રહ્યું છે. જેને લઈ આગામી બે દિવસ અતિ મહત્વના છે. અરબ સાગરમાં સર્જાયેલું આ ચક્રવાતી તોફાન તૌકતે 18 તારીખે સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાઇ તેવી શક્યતા છે. આ વાવાઝોડાની અસર અત્યારથી દેખાઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન વાવાઝોડાની તૈયારીમાં લાગ્યા છે. જે અંગે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ (CM Vijay Rupani) ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
તકેદારીના ભાગરુપે આ બેઠકમાં અન્ય એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આગામી બે દિવસ રાજ્યમાં વાવાઝોડાની સંભાવનાન કારણે કોરના રસીકરણ બંધ રહેશે. રાજ્યના તમામ રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશન (Vaccination) કાર્યક્રમ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ વિજય રૂપાણીએ જણાવ્યું કે બેઠકમાં વાવાઝોડાને કારણે થનારા સંભવિત નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય તેના પર ચર્ચા હાથ ધરવામાં આવી. વાવાઝોડાને કારણે એક પણ વ્યક્તિનું મોત ન થાય તેવો સરકારનો નિર્ધાર છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પૈકી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે કે રાત્રિ સુધીમાં કુલ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. મુખ્યપ્રધાને કહ્યું કે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની 44 ટીમ તૈયાર છે. બીજી તરફ તમામ જિલ્લાઓના વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશો કરવામાં આવ્યા છે.
સીએમ રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન તેમજ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 14781755 લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી 29844 લોકોએ ગઈકાલે રસી લીધી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કોરોનાની રસીના ૧.૮૪ કરોડથી વધુ ડોઝ હજી ઉપલબ્ધ છે અને આગામી ત્રણ દિવસમાં રાજ્યોને ૫૧ લાખ ડોઝ આપવાની તૈયારી ચાલી રહી છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
રાજ્યમાં એક મહિના બાદ ૯ હજારથી ઓછા કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો હતો. રવિવારે રાજ્યમાં કોરોનાના ૮,૨૧૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૮૨ના મૃત્યુ થયા હતા . એક મહિના બાદ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસનો આંક ૮ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કુલ કેસ હવે ૭,૫૨,૬૧૯ છે જ્યારે કુલ મરણાંક ૯,૧૨૧ છે. ગુજરાતમાં શનિવારની સરખામણીએ રવિવારે કોરોનાના કેસમાં ૮૫૧નો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં હાલ ૧,૦૪,૯૦૮ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૪૮૩ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ વધીને હવે ૮૪.૮૫% છે. અત્યારસુધી કુલ ૬,૩૮,૫૯૦ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. ગુજરાતમાં ૧,૨૮,૩૨૦ સાથે કુલ ટેસ્ટનો આંક ૨ કરોડને પાર થયો છે. રાજ્યમાં હાલ ૪,૩૫,૮૦૫ દર્દીઓ ક્વોરેન્ટાઇન હેઠળ છે.