ફિલિપાઈન્સમાં તબીબી અભ્યાસ કરતાં ગુજરાતના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સ સરકારે 72 કલાકની મુદત આપી છે પરંતુ ભારત સરકારે તકેદારી માટે ફિલિપાઈન્સથી આવતી ફ્લાઈટને લેન્ડ ન થવા દેવાનો નિર્ણય કર્યો હોવાથી અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને ફસાયેલા અન્ય લોકો સોશિયલ મીડિયા અને સગા-સંબંધીઓ મારફતે ભારત અને ગુજરાત સરકાર તેમને 19મી માર્ચ પૂર્વે ભારત પરત આવી શકે તેવી વિનંતી કરી રહ્યા છે.
ફિલિપાઈન્સમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાઈરસે ભરડો લીધો છે. અત્યાર સુધીમાં 190 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 14 દર્દીઓનાં મોત થયા નિપજ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. લોકો વાઈરસથી બચવા ઘરમાં પુરાઈ ગયા છે. બીજી તરફ બજારો પણ સંપૂર્ણપણે બંધ થતાં આવશ્યક ચીજવસ્તુઓની પણ તંગી સર્જાઈ રહી છે.