અમદાવાદમાં બે નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 31 થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 82એ પહોંચી ગઈ છે. અમદાવાદમાં 31 કેસ આવતા તેને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે.
અન્ય શહેરની વાત કરીઓ તો રાજકોટમાં 8, વડોદરામાં 9 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે, ભાવનગરમાં 5 અને ગિર સોમનાથ, પોરબંદર, કચ્છ અને મહેસાણામાં 1 પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 6 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે.
ગુજરાતમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે ગુજરાત માટે હજુ એક અઠવાડિયા સુધીનો સમયગાળો કપરો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે, રાજ્યમાં હજુ 5 એપ્રિલ સુધી કોરોનાવાયરસના કેસ વધવાની પૂરી સંભાવના છે. જો કે મહત્વનું તેમણે એ સ્પષ્ટતા પણ કરી કે, ગુજરાતીઓએ લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો કેમ કે હાલમાં ઈન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધવાની પૂરી શક્યતા છે.
ગુજરાતમાં મોટા ભાગના કોરોનાવાયરસના ચેપના કેસોમાં રીપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે એ સારી વાત છે એમ તેમણે ઉમેર્યું. આ ઉપરાંત ગુજરાતમાં વેન્ટિલેટર પર હોય તેવા કેસોની સંખ્યા પણ બહુ નથી તેથી ગુજરાતમાં સ્થિતી ગંભીર નથી પણ લોકો લોકડાઉનનો કડક અમલ કરે તો સ્થિતીને ગંભીર બનતી રોકી શકાય છે તેમ તેમણે ઉમેર્યું. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં સારવાર હેઠળ હતા તેમાંથી પાંચ લોકો સંપૂર્ણપણે સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.