ગાંધીનગર : રાજ્યના આઠ મહાનગરો અને 36 શહેરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યૂ (Night curfew) ની મુદત 18 મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી..જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂનો સમય 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે.
આઠ મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રે આઠથી સવારે છ વાગ્યા સુધી કોરોના કર્ફ્યૂ અમલી રહેશે..આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તેમજ ચશ્માની દુકાનો ચાલુ રહેશે...તો આ તમામ 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ( CM Vijay Rupani)એ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગથી અને પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ૧૪,પ૦૦થી ઘટાડી ૧૧ હજાર સુધી થવામાં સફળતા મળી છે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ ?
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં સોમવારે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા હતા. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા હતા. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.
રાજ્યમાં સોમવારે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.