અમદાવાદઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં આજે જનતા કર્ફ્યુ છે. જેના કારણે લોકો સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થંડર સ્ટોર્મ એક્ટિવિટીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. 25 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સુરત, વલસાડમાં વરસાદ પડવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે.


આ ઉપરાંત વાતાવરણમાં પલટો આવવાથી કોરોના વાયરસ વધુ વકરે તેવી શક્યતા છે. ચાલુ વર્ષે ખેડૂતોની માઠી બેઠી હોય તેમ ચોમાસા બાદ પણ સતત કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટું જેવી થઈ છે.


કમોસમી વરસાદના કારણે પહેલા કપાસ, મગફળી, તલનો પાક નિષ્ફળ ગયા બાદ ઘઉં, જીરુના પાક પર અસર થઈ હતી. હવે કમોસમી વરસાદથી કેરીની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવી શકે છે.