સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડની અછત છે. સાથે સાથે રેમડેસિવિર ઈંજેક્શન (Remdesivir Injection)ની પણ અછત છે અને લોકોએ વધારે નાણાં ખર્ચીને કાળા બજારમાંથી રેમડેસિવિર ઈંજેક્શન ખરીદવાં પડે છે. હોસ્પિટલમાંથી મળતાં ઈંજેક્શન માટે પણ નાણાં ખર્ચવાં પડે છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને (SMC) તમામ કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે રેમડેસીવીર ઇન્જેક્શન (Remdesivir Injection)આપવાની જાહેરાત કરી છે.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશએ (SMC) જાહેરાત કરી છે કે, રેમડેસીવીર ઇન્જેક્શનના કુલ 6 ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્વોટામાંથી આ ઇન્જેક્શન આપવામાં આવશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચનાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે MOU કરાયા હોય તેવી  હોસ્પિટલમાં દાખલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવારમાં રેમડેસિવિર ઈન્જેક્શન બહુ જ કારગર હોવાનો દાવો થઈ રહ્યો છે. જેના કારણે આ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં લોકો આ ઈન્જેક્શન માટે ઠેર ઠેર રઝળપાટ કરી રહ્યા છે.



રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર  પહોંચી ગયો છે.   


રાજ્યમાં અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે. 



કેટલા લોકોએ લીધી રસી



વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.