કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 18 કેસ છે, જ્યારે વડોદરા અને ગાંધીનગરમાં 9-9, રાજકોટમાં 8, સુરતમાં 7, કચ્છ, ભાવનગર, મહેસાણા અને ગીર સોમનાથમાં એક-એક કેસ નોંધાયા છે. અત્યાર સુધી 1067 ટેસ્ટ કરાયા. જેમાં 55 પોઝિટિવ આવ્યા.
ગીર સોમનાથમાં 65 વર્ષીય વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ 20 દિવસ પહેલાં દુબઈથી વેરાવળ પરત ફર્યા હતા, જ્યારે મહેસાણામાં 52 વર્ષીય વ્યક્તિનો કોરોના પોઝિટિવ છે.
ડો. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર અને ટેલીફોનિક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં 3 કરોડ 98 લાખ 26 હજાર 12 નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેલન્સમાં ઉધરસ, તાવ, ઝાડા-ઊલટીની વિગતો તથા આંતરરાજ્ય અને આંતરદેશીય ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવે છે. દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે.
કોરોના વાયરસના દર્દીઓ માટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે માન્યતા મળી ગઈ છે. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ સહિત 6 સરકારી લેબોરેટરી અને 2 ખાનગી લેબોરેટરીમાં પ્રતિદિન અંદાજે 1000 જેટલા કોરોનાના ટેસ્ટિંગ થઈ શકશે.