Lumpy Virus: હાલમાં લમ્પી વાયરસથી ગુજરાતમાં હજારો ગાયોના મોત થયા છે. પશુપાલકોની મહામુલી મૂડી અચાનક ચાલી જતા કફોડી સ્થિતિમાં મુકાયા છે. તો બીજી તરફ લમ્પી વાયરસનાં કહેરથી કચ્છમાં પશુપાલક મજૂર બન્યો છે. મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના ઇબ્રાહિમ ઓઢેજા મજૂર બનવા મજબુર બન્યા છે. પશુપાલક ઇબ્રાહિમ ઓઢેજા પાસે 25 ગાયો હતી. લમ્પી વાયરસનાં કારણે 12 ગાયો મૃત્યુ પામતા ઇબ્રાહિમ ઓઢેજાનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. એક કાંકરેજી ગાયની કિંમત રૂ. 25 હાજર થાય છે . એક ગાય રોજનું 7થી10 લીટર દૂધ આપતી હતી. એક લીટર દૂધથી ઇબ્રાહિમ ઓઢેજાને રૂ. 50ની કમાણી થતી હતી.  દૂધની કમાણીથી ઇબ્રાહિમ ઓઢેજાના 7 લોકોના પરિવારનું ગુજરાન ચાલતું હતું. દૂધની આવક બંધ થતાં એક દીકરો અને એક દીકરી ખેત મજૂરી કરવા મજબૂર બન્યા છે.
બે સંતાન મજૂરી કરવા છતાં ગુજરાન ન ચાલતા હજુ બે લોકો મજૂરી કરશે.


મુન્દ્રા તાલુકાના અનેક પશુપાલકો લમ્પી વાયરસનાં કારણે મુશ્કેલીમાં મુકાયા છે.  મુન્દ્રાના શાળાઉ ગામમાં 7 પેઢીથી પશુપાલન કરતા અનવર સાંધની સ્થિતિ કફોડી બની છે.  વ્યાજે રૂપિયા લઇને ગાયોને પાળતા હતા. અનવરભાઈની 4 ગાયો મરી ગઈ છે, 7 બીમાર છે અને હવે માત્ર 7 ગાયો બચી છે. બે લાખ રૂપિયા વ્યાજે લઇને પશુપાલન કરતા હતા. બચેલી ગાય પણ ખૂબ જ ઓછું દૂધ આપતી હોવાથી મુશ્કેલી વધી છે. કમાણી બંધ થતાં અનવરભાઈના પરિવારને જમવાના પણ ફાંફા પડી રહ્યા છે.  મોતને ભેટેલી તમામ ચાર ગાયો થોડા સમયમાં જ બચ્ચાને જન્મ આપવાની હતી. 7 સભ્યોનો પરિવાર દૂધના વ્યવસાયથી જીવન નિર્વાહ કરે છે. પશુ ખરીદવા બેન્કે લોન ન આપતા રૂપિયા વ્યાજે લેવા પડ્યા હતા. વ્યાજે લીધેલા રૂપિયા કેવી રીતે ચૂકવવા તેની ચિંતા હવે કોરી ખાય છે. પશુને આપતા ખોરાકના ભાવમાં પણ દર મહિને ભાવ વધારો થઈ રહ્યો છે. મરેલી 4 ગયો પૈકી 2 ગાય 25- 25 હજારની કિંમતની હતી. 2 ગાયની કિંમત 40- 40 હજાર હતી.


વલસાડમાં લમ્પી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લમ્પી  વાયરસના બે કેસો નોંધાયા હતા. હવે વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો કેસ નોંધાતા વલસાડનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. મળતી માહિતી મુજબ વલસાડમાં 5  પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા હતા. 


5 પશુમાંથી એક લમ્પી સંક્રમિત  
આ 5  પશુઓના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતા, જેમાંથી એક પશુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ આ ગાય સારવાર હેઠળ છે. આ સાથે આજુબાજુના તમામ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


એક વાછરડીમાં દેખાયા હતા લક્ષણો 
બે દિવસ પહેલા ગત 30 જુલાઈએ વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રથમ સંકાસ્પદ કેસ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પી વાયરસના  શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. પશુપાલન વિભાગની પશુચિકિત્સા વિભાગ ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લેવા સહીતની કામગીરી કરી હતી. આ સાથે સલામતીના ભાગ રૂપે વિસ્તારના પશુઓને રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જીલ્લામાં લમ્પીનો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળતા પશુપાલકોમાં ભય ફેલાયો હતો.