જામનગરઃ ગુજરાતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતાં. કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને જામનગરના સાંસદ પૂનમ માડમની હાજરીમાં રીવાબાએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જામનગર ભાજપ કાર્યાલયમાં ખેસ પહેરાવી રીવાબાનું પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.




રવિન્દ્ર જાડેજા હાલ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી રમી રહ્યો છે. થોડા મહિનાઓ પહેલાં કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરાયા હતાં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ત્યારથી જ ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની હતી.



રીવાબાએ પક્ષમાં સામેલ થયા બાદ કહ્યું હતું કે, ભાજપ અને વડાપ્રધાનની મારા પર જે અપેક્ષા હશે તે હું પુરી કરીશ. હું સમાજ સેવા અને યુવા ચહેરા તરીકે જોડાઈ છું. ચૂંટણી લડવા અંગે ભાજપ અને નરેન્દ્ર મોદી નક્કી કરે છે, મારી અપેક્ષા નથી.



અમે જ્યારે નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં ત્યારે તેમની સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, યુવા પ્રતિભા તરીકે તમે આગળ આવો અને સમાજ સેવા કરો. ત્યારબાદ અમે તેમની સાથે વાતચીત કરી અને મારો વિચાર જણાવ્યો હતો. વડાપ્રધાન કહ્યું હતું કે, આગળ વધો હું તમારી સાથે છું. જોકે, હજુ સુધી રીવાબા ચૂંટણી લડશે કે નહીં તે જાહેર થયું નથી.