Porbandar Crime News: રાજ્યમાં જુગારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હૉટલો અને રૂમો ભાડે રાખીને જુગાર રમાડતા કિસ્સા તો ધ્યાને આવ્યા છે, પરંતુ હવે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદર એલસીબીએ ખાનગી બસમાંથી જુગારધામને પકડી પડ્યુ છે. ધોરાજીથી પોરબંદર આવતી ખાનગી બસમાં ચાલી રહેલા જુગારધામને એલસીબીએ પકડી પાડ્યુ છે, જેમાં બસ માલિક અને ડ્રાઇવર સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ 11 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજ્યમાં એક નવી તરકીબનું જુગારધામ ઝડપાયુ છે. માહિતી પ્રમાણે, પોરબંદરમાં એલસીબીએ એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ધોરાજીથી પોરબંદર આવતી ખાનગી લક્ઝરીમાં એલસીબીએ બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં પાછળની સીટો કાઢીને મોટાપાયે જુગારધામ ચલાવાઇ રહ્યું હતુ. આ સમગ્ર કૌભાડનો પર્દાફાશ ધોરાજી પોરબંદરની વચ્ચે સોમવારે ભોદ ગામના રૉડ પરથી થયો હતો, અહીં હરતા-ફરતા જુગારની મોજ ખાનગી બસમાં કરાવાઇ રહી હતી.
આ ઘટનામાં ખાનગી લક્ઝરી બસ નંબર GJ-15-Z-8236 માં પાછળની સીટો કાઢીને જુગાર રમાડાઇ રહ્યો હતો, આ જુગાર બસ માલિક ધોરાજીના મોટીમરદ ગામના ભરત ભોપા રકસીય અને અલ્પેશ મગનલાલ વાછાણી છે. બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડતા કુલ 9 આરોપીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓને ગંજીપતાના પાના નંગ-52 તથા રોકડા 2.14,4૦૦ રૂપિયા, તથા બસની કિંમત 9,૦૦,૦૦૦ રૂપિયા મળી કુલ 11,14,4૦૦ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યા હતા. હાલમાં આ ઘટના અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.