જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વરસાદી માવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અચાનક વરસાદી માવઠાના કારણે મગફળી અને કપાસના પાકને મોટા પાયે નુકશાન થયું છે. મગફળી અને કપાસના પાક પર વધુ વરસાદ પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના ખેડૂતોની દિવાળી બગડી છે. અતિશય વરસાદના કારણે ખેડૂતોનો પાક બગડ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાકને નુકસાન છતાંય હજુ સુધી પાક વીમાની રકમ નથી મળી. પાક વીમાની રકમ ન મળતા ખેડૂતોમાં ચિંતા છે.




જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની દિવાળી બગડવાનું નક્કી છે. અતિવૃષ્ટીના કારણે ઘેડ વિસ્તારના 15 ગામોમાં મગફળીનો પાક નિષ્ફળ જવા છતાં સરકાર તરફથી સહાય કે પાક વીમો ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતો પાસે હવે શિયાળુ વાવેતર માટે પૈસા નથી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રીય થતાં બે દિવસ સામાન્ય વરસાદ પડશે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.