‘વાયુ’ વાવાઝોડાની અસરને લઈને દીવ-ઉનામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ
abpasmita.in | 12 Jun 2019 09:39 AM (IST)
વાયુ’ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે વાવાઝોડાની અસરને લઈને દીવમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યાં હતાં.
દીવ: ‘વાયુ’ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે વાવાઝોડાની અસરને લઈને દીવમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યાં હતાં. કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તેમજ ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી છે. ‘વાયુ’ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દરિયામાં 360 જેટલું કિલોમીટર દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે. દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં ગઈકાલથી જ કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.