વાવાઝોડાની ગતિ પહેલા કરતાં વધી ગઈ છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું વેરાવળથી 380 કિલોમીટર દૂર છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પ્રવાસે આવેલા ટુરિસ્ટને અપીલ કરી. તેમણે કહ્યું કે, દ્વારકા, સોમનાથ, સાસણ, કચ્છના પ્રવાસે ગયેલા લોકો 12 જૂનની બપોર સુધીમાં સુરક્ષિત સ્થળે ખસી જશો. રૂપાણીએ વિનંતી કરી કે શક્ય હોય તો પ્રવાસીઓ આ સ્થળો છોડીને પરત જાય જેથી તેમને વાવાઝોડાથી કોઈ નુકસાન ન થાય.
વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે. દરમિયાનમાં વાવાઝોડા પહેલાં સુરત અને તાપી જિલ્લામાં તથા ડેડીયાપાડા તાલુકામાં વરસાદ સંબંધિત ઘટનામાં કુલ પાંચ વ્યક્તિનાં મોત થયા છે તેમાંથી ત્રણ વ્યક્તિના વીજળી પડવાથી અને બે વ્યક્તિના ઝાડ પડવાથી મોત થયા છે.