કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. 






વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે.   વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.





નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.


મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં  ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે.  હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.