Cyclone Biparjoy:  દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે.  જો કે, સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકાશે. 


દ્વારકામાં સેનાના જવાનોએ સંભાળ્યો મોરચો


 



પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોય પોતાનો પ્રવાસ મોકૂફ રાખે. આવતીકાલે એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાની શક્યતાઓને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.  આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહિ ચડે. પવનની સ્થિતિના કારણે ધ્વજાને નુકશાન પણ થયું છે.


રાજ્યમાં 37 હજારથી વધુ લોકોનું કરાયુ સ્થળાંતર


સાયક્લોન બિપરજોય અગાઉ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. NDRF, SDRF, કોસ્ટગાર્ડ ઉપરાંત રાહત અને બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે. તોફાન આવતીકાલે સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જખૌ બંદર પર ત્રાટકશે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના 37 હજાર 794 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.


તમામ એયરબેઝ પર હેલિકોપ્ટર્સ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે આર્મી હાઈએલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં NDRFની 15 અને SDRFની 12 ટીમો તૈનાત કરાઇ છે. તે સિવાય માર્ગ મકાન વિભાગની 115 ટીમો સજ્જ કરાઇ છે. કચ્છમાં 40 હજારથી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. કચ્છમાં ચાર CDHO, 15 મડિકલ ઓફિસર ફરજ પર રહેવાના આદેશ અપાયા હતા. 108ની  157 મળી કુલ 239 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.


ભારે વરસાદની ચેતવણી:


14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે  16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે