ગાંધીનગરઃ ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂલક્ષી નિર્ણય કર્યો હતો. લઘુત્તમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી,જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદામાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.
‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે. આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા.૧૫ જૂન-૨૦૨૩ સુધી નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી તા. ૧૫ જૂલાઈ-૨૦૨૩ એટલે કે વધુ એક માસ સુધી લંબાવવામાં આવી છે તેમ નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનો પર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી ૧૪ જૂન-૨૦૨૩થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોના હિતમાં હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. વધુમાં રાજ્યમાં પરિસ્થિતિ અનૂકુળ થાય ત્યારબાદ નિયત પદ્ધતિ મુજબ ટેકાના ભાવે રાબેતા મુજબ વિવિધ કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે.
ગુજરાતના કયા કયા જિલ્લાને ઘમરોળશે બિપરજૉય વાવાઝોડું
- કચ્છ
- પોરબંદર
- જુનાગઢ
- જામનગર
- દ્વારકા
- ગીર સોમનાથ
- મોરબી
વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ સહિત આઠ જિલ્લા પર થશે. તો સંભવિત સ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્યમાં સેવા યજ્ઞ પણ શરૂ થયા છે. રાજ્ય સરકારની સાથે સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી છે. રાજ્યમાં અનેક ઠેકાણે જરુરીયાત મંદો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે આવતીકાલે કેટલા વાગે વાવાઝોડું ટકરાવવાની કરી આગાહી ?
સૌથી ખતરનાક રૂપ લઇ રહેલા બિપરજૉય વાવાઝોડાથી હવે ગુજરાત માટે ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગે આવતીકાલે બિપરજૉય ગુજરાતના દરિયા કાંઠે ટકરાવવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બિપરજૉય વાવાઝોડુ આવતીકેલા ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે, આ દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, અને તેની ઝડપી 150 કિમીની રહેશે. હવામાન વિભાગ અનુસાર, બિપરજૉય વાવાઝોડું આવતીકાલે 4 થી 8માં ટકરાઇ શકે છે.