ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સર્પાકાર આકારે ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.


વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા માટે સરકાર એક્શનમાં મોડમાં આવી છે. વાવાઝોડાને પગલે ગુજરાત સરકારના બે મંત્રી અને એક કેન્દ્રીય મંત્રીને કચ્છની જવાબદારી સોંપવામાં આવી હતી.






કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કચ્છના પ્રભારી પ્રફુલ પાનશેરિયાને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ઋષિકેશ પટેલ,પ્રભારી પ્રફુલ પાનશેરિયા ભૂજ પહોંચ્યા હતા. વાવઝોડાને લઈને કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરશે અને દરિયાઈ કાંઠા વિસ્તારની મુલાકાત લેશે. વાવાઝોડું 15 જૂનના કચ્છમાં લેન્ડફોલ થવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.


વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક પણ યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.


કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી



  • કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા.

  • મોરબીમાં કનુભાઈ દેસાઈ

  • રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ

  • પોરબંદરમાં કુંવરજી બાવળિયા

  • જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા

  • દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી

  • જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા

  • ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી


કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી 


ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રની એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.એડવાઇઝરીમાં વાવાઝોડાના પગલે 14 જૂને સવારે સૌરાષ્ટ્ર અને કચ્છને ક્રોસ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાવાઝોડાને પગલે દ્વારકા,  કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આશંકા છે. એડવાઇઝરીમાં કચ્છમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.