જૂનાગઢ: બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સર્પાકાર આકારે ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાના કારણે 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે  ત્યારે જાણીએ વાવાઝોડુ કઇ રીતે સર્જાય છે અને તેનું સ્ટ્રક્ચર કેવું હોય છે.


વાવાઝોડું એ વર્તુળાકાર ઘૂમતો અને ભારે વેગથી ફૂંકાતું હોવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થઈ જમીન પર આવે છે. વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્ર કે બંગાળના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાંથી જમીન ઉપર ત્રાટકે છે. વાવાઝોડાની અસરના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.


વાવાઝોડુ કઇ રીતે સર્જાય છે ?


ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજુ વાવાઝોડાને પેદા કરતું પરિબળ છે. હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર ઊઠે છે. જેથી હળવા દબાણનું ક્ષેત્ર સર્જાય છે. આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે. આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનું પ્રચંડ સમૂહ આગળ વધી દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધે છે. વાવાઝોડું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ફરે છે. તે દરિયાની સપાટીથી ૮ થી ૧૨ કીમી ઊંચાઈ સુધીનું પણ હોઈ શકે છે. વાવાઝોડાની પહોળાઈ ૨૦ થી ૫૦ કિમીની હોઈ શકે છે. વાવાઝોડાની વચ્ચે આવેલ શાંત કેન્દ્રોને વાવાઝોડાની 'આંખ' કહેવાય છે. તેની આંખ સામાન્ય રીતે 65થી 80 કિમી વ્યાસની હોય છે. આ પ્રકારના વાવાઝોડા સામાન્ય રીતે ઉષ્ણકટિબંધિય દેશોમાં આવે છે. તેમાં પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. પણ તીવ્રતા વધતા હવાની ગતિ વધારે ઝડપી રહે છે.


હવામાન વિભાગના મતે 15 જૂને બિપરજોય વાવાઝોડુ કચ્છના માંડવી પાસે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે. જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે.


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે.


વાવાઝોડાની આગમચેતીરુપે વાતોનું ધ્યાન રાખવું


ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુંસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો,ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા.


વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું, ઘરની બહાર નીકળવું નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરનાં તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.


આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો,ખુલ્લા-છૂટા પડેલા વાયરોને અડકવું નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે