Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડાની ગતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદરથી વાવાઝોડું 590 કિલોમીટર દૂર હોવાની માહિતી સામે આવી છે. જયારે મુંબઈથી વાવાઝોડુ 620 કિલોમીટર દૂર છે. પ્રતિ કલાક પાંચ કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દિશા બદલીને વાવાઝોડું જખૌ તરફ ફંટાયું છે. વાવાઝોડું જખૌ તરફ આગળ વધતા ગુજરાતના માથે ચિંતા વધી છે. વાવાઝોડાને લઈને NDRFની ત્રણ ટીમ રવાના કરવામાં આવી છે. NDRFની ટીમ પોરબંદર,ગીર સોમનાથ અને વલસાડ જવા રવાના થઈ છે. 25 સભ્યોની એક ટીમ રેસ્ક્યુ સામગ્રી સાથે રવાના થઈ છે.
અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું કેન્દ્રિત થયું છે ત્યારે ભરૂચ જિલ્લાના વહીવટીતંત્રએ દરિયા કિનારાના ગામો પર ધ્યાન કેન્દ્રિત કરી સજજ થયું છે. તમામ આવશ્યક તૈયારી કરી અધિકારીઓને હેડ ક્વાટર નહી છોડવા તેમજ લોકોને સતર્ક રહેવા તાકીદ કરી છે. બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભરૃચ જિલ્લામાં દરિયા કાંઠાના ત્રણ તાલુકાઓના વિસ્તારમાં 40 કીમીથી વધુની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેમજ વરસાદ પણ સંભાવના હોવાથી વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના તટ વર્તિય વિસ્તારના 26 જેટલાં ગામોના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
ક્યાં સ્થળોએ આશરો આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બીજી તરફ અધિકારીઓને હેડ કવાટર નહિ છોડવા આદેશ કરાયો છે.જિલ્લાના દહેજ બંદર ખાતે દુરવર્તી વાવાઝોડાની ચેતવણી આપતું 2 નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. દહેજ બંદર ખાતે હાલ મોટા જહાજો લાંગરેલા હોવાથી સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વાગરા,જંબુસર અને હાંસોટ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોને છેલ્લા 3 દિવસથી સાબદા કરી દેવાયાં છે.દહેજના દરિયા કાંઠા વિસ્તારના લોકો તથા દહેજના ઉદ્યોગોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. દહેજ ખાતે પાંચ જેટી આવેલી છેઆ ઉપરાંત દહેજ જીઆઇડીસીમાં 400 જેટલા નાના મોટા ઉદ્યોગો ધમધમી રહયાં છે.
વાવાઝોડાના કારણે દહેજના દરિયો તોફાની બનવા લાગ્યો છે. વહીવટીતંત્રએ 13મી તારીખ સુધી માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહી જવાની સૂચના આપી દીધી છે. ભરૂચ જિલ્લામાં માછીમારો પરત આવી ગયાં છે. તેના પગલે નાવડીઓ કિનારે લાંગારી દેવામાં આવી છે. અગરિયાઓ તથા ઉદ્યોગ સંચાલકોને તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રની વાવાઝોડા સામેની સજજતા અને તકેદારી અંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા માહિતી આપી લોકોને જે પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવે તેના પાલન માટે અપીલ કરી છે.આમ ભરુચ જિલ્લા વહીવટી તંત્ર હાલ તો બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસર સામે સતર્ક બની આવશ્યક તૈયારી કરી સજજ બન્યું છે.
દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દ્વારકાના ગોમતી ઘાટ પર પર દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં સાત ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળવાના શરૂ થયા છે. પ્રવાસીઓને ગોમતી ઘાટથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર એલર્ટ હોય પ્રવાસીઓને ગોમતી ઘાટ પર ન્હાવાની મનાઈ ફરમાવાઈ છે.