Death: મહિસાગરમાં દલિત યુવાન સાથે થયેલી મારામારી બાદ હવે દલિત યુવાનના મોતના સમાચાર સામે આવ્યા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ખાતે દાલબાટી લેવા બાબતે દલિત યુવાન સાથે હૉટલ માલિકનો ઝઘડો થયો હતો, બાદમાં મારામારી થઇ હતી, આ ઝઘડામાં દલિત યુવાનને માર મારવા બાબતે હૉટલ માલિક તેમજ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, હવે સમાચાર છે કે, સારવાર દરમિયાન આ દલિત યુવાનનું મોત થયુ છે, મોત બાદ દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો છે.
ગઇ 7મીએ મહીસાગર જિલ્લાના લીંબડીયા ગામમાં આવેલા જય દ્વારકાધીશ ચા-નાસ્તા હાઉસ અને દાલબાટી હૉટલમાં મારામારી થઇ હતી, આ મારામારી હૉટલ માલિક અને એક દલિત યુવાન વચ્ચે થઇ હતી. દલિત યુવાન દાલબાટી લેવા માટે હૉટલ પહોંચ્યો હતો, આ દરમિયાન એક બાટી ઓછી આપતા ઝઘડો થયો, અને હૉટલ માલિક તેમજ અન્ય એક ઇસમ દ્વારા તેને માર મારવામા આવ્યો હતો, આ ઘટના બાદ બાકોર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. હવે દલિત યુવાનનુ મોત થયુ છે. દલિતના મોત બાદ લોકોમાં રોષ ફૂટી નીકળ્યો છે.
ઘટના એવી છે કે, ગઇ 7મીએ રાત્રિના સમયે રાજુભાઈ ચૌહાણ દાલબાટીની હૉટલ ઉપર દાલબાટી લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં હૉટલ પરના કર્મચારીએ એક બાટી ઓછી આપી હોવાના કારણે તેમણે ત્યાં રજૂઆત કરી હતી ત્યારે હૉટલ માલીક અમિત પટેલ તેમજ અન્ય એક હૉટલના કર્મચારી દ્વારા રાજુભાઈ ચૌહાણ ને ગાળો બોલી જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરીને અને માર મારવામાં આવ્યો હતો, આમાં રાજુભાઈને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તમને સારવાર માટે લુણાવાડા ત્યારબાદ ગોધરા અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા પરંતુ વડોદરા સારવાર દરમિયાન આ દલિત યુવાનનું મોત થયુ હતુ, આ પછી મામલો વધુ ગરમાયો હતો, અને બાદમાં બાકોર પોલીસ મથકમાં હૉટલ માલિક અમિત પટેલ તેમજ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે તો મૃતક રાજુભાઈનું પોસ્ટમોર્ટમ વડોદરા ખાતે કરવામાં આવી રહ્યું છે ત્યારે બાકોર પોલીસ તેમજ જિલ્લા DYSP વડોદરા હોસ્પિટલ ખાતે પહોંચી અને આગળથી કાર્યવાહી હાથ ધરી છે. દલિત સમાજના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ આ બાબતે દલિત પરિવારની મુલાકાત વડોદરા ખાતે લઈ અને તેમને સાંત્વના પાઠવી છે અને ઘટનાને લઈ રોષ વ્યક્ત કર્યો છે.
વિરપુર રોડ ઉપર આવેલ આ જય દ્વારકાધીશ દાલબાટી હોટલ ખાતે તપાસ કરતા હોટલ બંધ જોવા મળી હોટલ પર કોઈપણ વ્યક્તિ હાજર નથી અને આસપાસના કોઈપણ વ્યક્તિ પણ આ સંદર્ભે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. હાલ તો બાકોર પોલીસ મથક ખાતે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે