Cyclone Biparjoy LIVE: કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક ઠેકાણે તબાહીના દ્રશ્યો

બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે

gujarati.abplive.com Last Updated: 16 Jun 2023 11:58 AM
દ્વારકામાં એનડીઆરએફના જવાનોએ કામગીરી કરી હતી.

માંડવીમાં વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા

જામનગરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા

જામનગરની પત્રકાર કોલોની નજીક વરસાદી પાણી ભરાયા છે. કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈ સ્થાનિક કોર્પોરેટર લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પહોંચ્યા હતા. લાલપુર શહેર તેમજ તાલુકામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર  જોવા મળી. અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, લાલપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે અને અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે

દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ બે લોકોને બચાવ્યા

દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.

રાજ્યમાં વાવાઝોડાના કારણે  5120 વીજપોલ ધરાશાયી થયા

રાજ્યમાં વાવાઝોડાના કારણે  5120 વીજપોલ ધરાશાયી થયા, જેમાંથી 1320 રીસ્ટોર કરાયા છે. વાવાઝોડા પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તા શરૂ કરાયા છે. 4629 ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમા 3580 ગામોમાં વીજળી રીસ્ટોર કરવામા આવી છે.

ઓખાના દરિયાનું પાણી ગામોમાં ઘૂસ્યું

દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ભારે કરન્ટના કારણે ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવ્યુ છે. દરિયાના કરન્ટ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો મળ્યા મળી રહ્યાં છે. ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

માંડવીમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે

કચ્છના લખપતમાં વૃક્ષો ધરાશાયી થયા હતા

જામનગરમાં પણ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે

રાજકોટના વિસ્તારોમાં દોઢથી બે ઈંચ સુધીનો વરસાદ

રાજકોટના વિસ્તારોમાં દોઢથી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરના પોપટપરા નાળામાં પાણી ભરાયા હતા. લોધિકા, કોટડા સાંગાણી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

રાજકોટમાં વરસાદ

બિપરજોય વાવાઝોડા ની અસર ને લઈ ધોરાજીમાં ભારે ધૂધવતા પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ધોરાજીમાં આખી રાત ધીમી ધારે વરસાદ બાદ વહેલી સવારના ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા. વાવાઝોડાના કારણે ધોધમાર વરસાદને લઈને શફુરા નદીમાં નવા નિર આવ્યા છે. થોડાક સમય જો વધુ વરસાદ પડશે તો શફુરા નદી કાંઠે આવેલ પંચનાથ મહાદેવ મંદિર નો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડશે

જામનગરમાં વરસાદ

જામગર શહેરમાં વાવાઝોડાની ભારી અસર જોવા મળી રહી છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સેક્શન રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે

મોરબીમાં વરસાદ

મોરબી શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં વરસી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા ની અસર મોરબી જિલ્લા અને શહેર પર આફત બની છે. મોરબીના નવલખી બંદર નજીક પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. નવલખી બંદર, ઝિંઝડા, વર્ષા મેડી, મોટા દહિસરા, નાના દહિસર, લવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે

વાવાઝોડા બાદ અનેક જગ્યાએ જળબંબાકાર

કચ્છ, સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડું પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં વીજપુરવઠો ખોરવાયો

વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ચાર તાલુકામાં વીજ પુરવઠો બંધ થયો હતો. વાવાઝોડાનાં કારણે અબડાસામાં 78 , લખપતમાં 58 , નખત્રાણામાં 46 અને ભુજ તાલુકામાં 115 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વૃક્ષો ધરાશાયી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દ્વારકા-મોરબીમાં કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા. તોફાનમાં 22 લોકો ઘાયલ થયા હતા. તોફાનના કારણે ભાવનગરમાં બે લોકોના મોત થયા છે. ગુજરાતમાં 490 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો.

કચ્છમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા

મુંબઇના દરિયામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી

માંડવીમાં જોરદાર પવન ફૂંકાયો હતો

દ્વારકાના ગોમતી ઘાટ પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે

મોરબીમાં 300 વીજપોલ ધરાશાયી

કચ્છ જિલ્લામાં તબાહી

વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં તબાહી જોવા મળી હતી. માંડવી શહેરમાં અનેક ઠેકાણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. માંડવીમાં અનેક ઠેકાણે હોર્ડિગ્સ થયા ધરાશાયી 

બ્રેકગ્રાઉન્ડ

બિપરજોય વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ ગયું છે.  હવામાન વિભાગ અનુસાર છેલ્લા છ કલાકમાં 13 કિલોમીટર પ્રતિ કલાકી ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું હતુ.  હવે વાવાઝોડું જખૌ બંદરથી 40 કિલોમીટર ઉત્તર પૂર્વ તરફ આગળ ફંટાયું છે.  હવે વાવાઝોડું આગળ વધતા વધતા દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને શાંત પડશે. વાવાઝોડું રાજસ્થાનના જોધપુરની દિશામાં પ્રચંડ તાકાત સાથે જ આગળ વધી રહ્યું છે અને રાજસ્થાનમાં આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. હાલ વાવાઝોડાની દિશા કચ્છથી જોધપુર તરફ છે. ડિપ્રેશનમાં ફેરવાયા બાદ પણ પવનની ઝડપ 55 કિલોમીટર સુધીની રહેતી હોય છે. ત્યારે આજે કચ્છ, સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે.


બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડાના કારણે 940 ગામમાં વીજપોલ જમીનદોસ્ત થતા વીજપુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. જ્યારે 23 પશુઓના મોત થયા હતા. જ્યારે ભારે પવનના કારણે 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.


આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17થી વધુ જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. બિપરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આજે રજા રહેશે.   વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. નલિયામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનને લીધે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. નલિયા મામલતદાર કચેરી સામે વિશાળ વૃક્ષ પડ્યું હતું.


મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં  ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે.  હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.


આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.