Cyclone Biparjoy Live : વાવાઝોડાની અસરથી કચ્છના ગાંધીધામમાં વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી
ગુજરાત સાથે વાવાઝોડુ ટકરાવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે
કચ્છના ગાંધીધામના માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. બે કલાકનો સમય વીતવા છતાં પાણીનો નિકાલ થયો નહોતો. ગાંધીધામના ચાવલા ચોકથી રેલ્વે સ્ટેશન સુધી પાણી ભરાયા હતા. દુકાનદારો દ્વારા પાલિકા પ્રશાસનને ફોન કરવા છતાં કોઇ કાર્યવાહી થઇ રહી નથી.
વલસાડના તિથલ દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે પવન સાથે તિથલના દરિયામાં મોજા ઊછળ્યા હતા.
મોરબીના નવલખી બંદર સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે નવલખી બંદર વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.
વાવાઝોડાના આગમન પહેલા કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે. મુંદ્રા શહેરની બજારમાં બે ફૂટ સુધી પાણી ભરાયા હતા.
જૂનાગઢના માંગરોળનો દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં ૧૫ થી ૨૦ ફૂટ ઉચા મોજા ઉછળ્યા હતા. માંગરોળ બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું હતું. બિપરજોય વાવાઝોડાની અસર માંગરોળ બંદર પર જોવા મળી રહી છે. માંગરોળ બંદર પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
વાવાઝોડાની અસરના કારણે મુંન્દ્રા શહેરની બજારો સુમસામ જોવા મળી હતી. શહેરની તમામ બજારો બંધ રાખવામાં આવી હતી. લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પોતાના ઘરમાં રહેવાનું પસંદ કર્યુ હતું.
કચ્છના કંડલા પોર્ટ પર બિપરજોયની અસર શરૂ થઇ છે. હાલમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. કંડલા સિગ્નલ ઓફિસે પવનની ગતિ 70 કીલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી.
હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 150 કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ગણતરીના કલાકોમાં બિપરજોય કચ્છના દરિયાકાંઠે અથડાશે. કંડલા પોર્ટ હાલ બંધ છે. કંડલા ગામ પણ ખાલી કરી દેવાયુ છે
સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર શરુ થઇ હતી. દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. સુરત, નવસારી, વલસાડના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું. નવસારી જિલ્લાના 16થી વધુ ગામડાઓ એલર્ટ પર છે.
વાવાઝોડાને લઈને કચ્છના નલિયામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. નલિયા ST ડેપોમાં તમામ બસો સુરક્ષિત કરાઇ હતી. ST બસના ડ્રાઈવર અને કંડક્ટરને ડેપો ન છોડવા સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાને લઈને કચ્છમાં આફત શરૂ થઇ છે. ભારે પવનને લીધે કેટલાક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. ભૂજ-મિરઝાપર હાઈવે પર હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા.
દેવભૂમિ દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે પવનની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
કચ્છના માંડવી બીચ પર વાવાઝોડાની અસર શરૂ થઇ છે. માંડવી બીચ પર ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. માંડવી બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આજે સૌરાષ્ટ્રના મોટાભાગના મંદિરો ભક્તો માટે બંધ રહેશે. સોમનાથ, દ્વારકા સહિતના મંદિરો ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખોડલધામ, સાળંગપુર મંદિર પણ બંધ રહેશે
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Cyclone Biparjoy News: ચક્રવાત બિપરજોય ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સાથે વાવાઝોડુ ટકરાવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ પહેલા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. દરમિયાન, બુધવારે (14 જૂન) ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થયો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
IMD અનુસાર, ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ પાકિસ્તાનના કરાચી નજીકથી પસાર થશે. આ દરમિયાન પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. 6 જૂને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાયું હતું ત્યારથી બિપરજોય સતત ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું અને મજબૂત થઈ રહ્યું હતું અને 11 જૂને તે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. જેની પવનની ઝડપ 160 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે વધી રહી હતી પરંતુ એક દિવસ બાદ તેની તીવ્રતા ઘટી ગઈ હતી.
અત્યાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 74 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરીને અસ્થાયી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. એકલા કચ્છ જિલ્લામાં આશરે 34,300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469 અને ગીર સોમનાથ જિલ્લામાં 1605 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે કુલ 33 ટીમોને સોંપી છે. NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી છે. એક ટીમને દીવમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં NDRFની તૈનાતી વિશે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે NDRFની ચાર ટીમો કચ્છ જિલ્લામાં, ત્રણ-ત્રણ રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં, બે જામનગરમાં, એક-એક પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં તૈનાત કરવામાં આવી છે. એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
વાવાઝોડાના કારણે કચ્છના મુંદ્રાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે, દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે લોકોની મુશ્કેલી વધી છે. કચ્છના માંડવી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. સવારથી અત્યાર સુધીમાં વાતાવરણમાં અનેક વખત પલટો આવ્યો છે,
- - - - - - - - - Advertisement - - - - - - - - -