કંડલા બંદર પર વાવાઝોડાની અસરની શરૂઆત થઇ હતી. કંડલા બંદર પર 80 કિમી પ્રતિ કલાકથી ઝડપે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ભારે પવન સાથે કંડલા બંદર પર વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ મુંન્દ્રામાં પણ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ હતી. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા.


વાવાઝોડાની અસર ટ્રાન્સપોર્ટ ઉધોગ પર પડી હતી. પશ્ચિમ કચ્છમાં સૌથી મોટું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધરાવતું દેવપર ગામ સુમસામ જોવા મળ્યું હતું. પશ્ચિમ કચ્છના દેવપર ગામમાં 250 થી વધુ ટ્રકો પાર્ક કરેલી જોવા મળી હતી. મુંન્દ્રા, કંડલા પોર્ટ બંધ હોવાથી ટ્રકોના પૈડા થંભી ગયા હતા. 16 તારીખ સુધી ટ્રકો નહીં દોડાવવાનો ટ્રક માલિકોએ નિર્ણય લીધો હતો.


જૂનાગઢના માંગરોળનો દરિયો તોફાની બન્યો હતો. માંગરોળના દરિયામાં 20 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા.કાંઠા વિસ્તારમાં 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઇ રહ્યો છે. ટાવર ચોક, લીમડા ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.


જાફરાબાદ કાંઠા વિસ્તારના 29 ગામોને એલર્ટ કરાયા


કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડાની અસર થઇ ગઇ છે. દરિયામાં ભારે પવનના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અમરેલી, જખૌ, માંડવી, દ્વારકા, ગીર સોમનાથના દરિયામા ઉંચા મોજા ઉછળી રહ્યો છે.અમરેલીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદના દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જાફરાબાદ કાંઠા વિસ્તારના 29 ગામોને એલર્ટ કરાયા છે.


વાવાઝોડુ કચ્છના જખૌમાં ટકરાશે. જખૌ આસપાસના ત્રણ ગામના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ત્રણ ગામના 450 લોકોને સુરક્ષિત ખસેડાયા હતા. જખૌ પર સામાન્ય લોકોના જવા પર પ્રતિબંધ મુકાયો છે. કચ્છ જિલ્લાની તમામ પવનચક્કીઓ બંધ કરવામાં આવી છે. માંડવી આસપાસના વિસ્તારની પવનચક્કીઓ પણ બંધ કરાઇ હતી. વાવાઝોડાની અસર ગીર સોમનાથના દરિયામાં પણ જોવા મળી રહી છે. નવલખી બંદર ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને તમામ અવરજવર પર પણ પ્રતિબંધ લગાવાયો છે. હાલ નવલખી દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.


IMD અનુસાર, ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ પાકિસ્તાનના કરાચી નજીકથી પસાર થશે. આ દરમિયાન પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.