કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી બિપરજોય વાવાઝોડુ પસાર થઇ ગયું છે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દ્વારકામાં પણ વાવાઝોડા બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે.
દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.
ઓખાના દરિયાનું પાણી ગામમાં ઘૂસ્યું
વાવાઝોડા ગયા બાદ દ્વારકા-કચ્છમાં ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પવન સાથેના વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓખામાં દરિયામાં પણ ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. ઓખાના દરિયાનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું. દરિયાના કરન્ટ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો મળ્યા મળી રહ્યાં છે. ઓખામાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, અને ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
વાવાઝોડાના કારણે કચ્છ, દ્વારકા અને જામનગરમાં નુકસાન થયું છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. મોરબીના નવલખી બંદર પાસે પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.કચ્છ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં 8 ઇંચ, ભુજમાં 6 ઇંચ, અંજાર-મુંન્દ્રામાં 5 ઇંચ, ભચાઉ-માંડવીમાં અઢી ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, અબડાસામાં દોઢ ઇંચ, રાપરમા એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદની આગાહી
ગાંધીનગરઃ ગુજરાત પરથી વાવાઝોડું પસાર થયું છે પરંતુ હજુ ખતરો ટળ્યો નથી. હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.