અમરેલીઃ ગુજરાતમાં ગઈ કાલે તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. વાવાઝોડાની અસરને પગલે અનેક જગ્યાએ વૃક્ષો, મકાન અને વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની હતી. ગઈ કાલે પણ રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા હતા. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું હતું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું હતું. વાવાઝોડા પછી રાજુલા જાફરાબાદના 10 જેટલા પેટ્રોલ પંપ બંધ રહ્યા હતા. રાજુલા શહેરનો 1 પેટ્રોલ પંપ શરૂ કરતાં વાહન ચાલકોની લાઈનો લાગી હતી. પેટ્રોલ ડીઝલ લેવા માટે પડા પડી થઈ હતી. 


વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. દરમિયાન વડાપ્રધાન મોદીને આવકારવા માટે મુખ્યમંત્રી રૂપાણી, ભાવનગર ના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા પહોંચ્યા હતા.


ભાવનગર એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. અહીંથી તેઓ રાજ્યના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈન નિરીક્ષણ કરશે. પીએમ મોદી અમરેલી, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં વાવાઝોડાને લઈને થયેલી નુકસાનીનું હવાઈ નિરીક્ષણ કરશે.


હવાઈ નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમદાવાદ પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કરશે. પીએમ મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને કેંદ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ ખાતરી આપી હતી.


ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન  આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.