દાહોદ પોલીસમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિનોદભાઈ પટેલિયાએ દારૂના નશામાં ધૂત થઈ હવામાં ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં કલેકટર કચેરીના ઈવીએમ વેર હાઉસના કમ્પાઉન્ડ ખાતે ફરજ પૂર્ણ કરી પરત ફરતી વખતે નશામાં ધૂત થઈ પોલીસ કોન્સ્ટેબલ વિનોદે બે રાઉંડ હવામાં ફાયરિંગ કર્યું હતું. હવામાં ફાયરિંગ કરતા થોડો સમય તો સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.
પોલીસ કોન્સ્ટેબલે પોતાની પાસે રહેલી ઈન્સાસ રાયફલની મદદથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે ફરજ પરના અન્ય કર્મચારીએ પોલીસ જવાનને સંભાળ્યો અને ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. ઘટનાસ્થળથી પોલીસે બે ફૂટેલી કારતૂસ પણ કબ્જે કરી હતી. બી ડિવીઝન પોલીસ સ્ટેશનમા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દાહોદ શહેરની કલેકટર કચેરીના પરિસરમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મુકવામાં આવે છે. આ ઇવીએમની સુરક્ષા માટે ગાર્ડ તૈનાત કરાયા છે. સોમવારે ગોધરાના રહેવાસી અને દાહોદ પોલીસ હેડકવાટરમા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત વિનોદ પટેલિયા સહિતના જવાનોની ડ્યૂટી લગાવાઈ હતી. ત્યારે ભરત ચાલુ ડ્યૂટીએ દારૂ પીને આવ્યો હતો.
ભરતની ડ્યૂટી પુરી થતા તે ઘરે જવા નીકળી ગયો હતો પરંતુ તે રસ્તામાંથી પાછો કલેક્ટર કચેરી આવ્યો હતો અને કોઈ કારણોસર દારૂના નશામાં પોતાની પાસેની સરકારી ઇન્સાસ રાઇફલમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી તેના સાથી કર્મચારીઓ અને કલેકટર કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કલેકટર કચેરી પહોંચી હતી અને પોલીસ કોન્સ્ટેબલ ભરતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.