દાહોદ જિલ્લાના ડીઆરડીએ પોલીસમાં મનરેગા હેઠળ રૂપિયા 71 કરોડની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને લઈને ગુજરાતના પંચાયતના રાજ્યમંત્રી બચુ ખાભડના પુત્ર કિરણ અને બળવંતનું નામ સંડોવાયેલ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કથિત મનરેગા કૌભાંડમાં મંત્રીના બંન્ને પુત્રોએ આગોતરા જામીન અરજી કરી હતી.  આમ છતાં સરકારના મંત્રી મૌન રહ્યા હતા. કૌભાંડમાં પુત્રો સામેલ છે કે નહી તે મુદ્દે મંત્રી બચુ ખાબડ કે સરકારની કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

નોંધનીય છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મંત્રી બચુ ખાબડના પુત્રોને કૌભાંડમાં આરોપી બનાવાય તેવી શક્યતા છે. દાહોદમાં મનરેગાના કથિત કૌભાંડ મુદ્દે બચુ ખાબડના પુત્રોનું નામ ઉછળ્યું હતું. FIRમાં નામ નોંધાય તે પહેલા જ બચુ ખાબડના પુત્રોએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કિરણ ખાબડ અને બળવંત ખાબડે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ કથિત કૌભાંડમાં 35 એજન્સીઓને ખોટી રીતે મનરેગાના 71 કરોડ ચૂકવ્યાનો આરોપ છે. કૌભાંડી એજન્સીઓ સાથે મંત્રીના પુત્રોના તાર જોડાયાની આશંકા છે. પુત્રોએ કેમ આગોતરા જામીન અરજી કરી તે મુદ્દે મંત્રી બચુ ખાબડ મૌન રહ્યા હતા. સમગ્ર કૌભાંડને લઈ મંત્રી બચુ ખાબડ કઈ પણ બોલવા તૈયાર નથી.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં. દેવગઢ બારિયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં 28 એન્જન્સીને 60,90,17331 રૂપિયા જ્યારે ધાનપુર તાલુાકામાં કરાયેલ કામોમાં 7 અનધિકૃત એજન્સીને 10,10,02,818 રૂપિયા વર્ષ 2021થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં ચાર કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.