Dakor: ખેડાના ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં નજીકથી દર્શન માટે 500 રૂપિયા વસૂલવાનો ડાકોર મંદિર કમિટીએ નિર્ણય લીધો હતો. રણછોડરાયજીના ઝડપથી દર્શન થઈ શકે તે માટે વીઆઈપી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. ડાકોર મંદિર કમિટી દ્ધારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.




ડાકોરમાં મંદિર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ભક્તોને રણછોડરાયજી ભગવાનના દર્શન નજીકથી કરવા હશે તેઓ 500 રૂપિયા ચૂકવીને દર્શન કરી શકશે. નજીકથી દર્શનમાં જે પણ આવક થશે  તે ભક્તોની સુવિધા માટે ઉપયોગમાં લેવાશે. જેમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.




 


મહત્વની વાત કરવામાં આવે તો 1982 થી નિજ મંદિર પ્રવેશ બંધ કર્યા બાદ રાજા રણછોડરાયજીના નજીકથી દર્શન કરાવવાનો આ નિર્ણય કેટલાક ભક્તો સ્વીકારી રહ્યા છે તો કેટલાક ભક્તો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભક્તો પાસેથી લેવામાં આવતા 500 રૂપિયા ભક્તોની સુવિધા પાછળ વાપરવા માટે ટેમ્પલ કમિટી દ્ધારા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ નિર્ણયથી ભક્તોમાં ખુશી પણ દેખાઈ રહી છે.