મહીસાગર: જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસ્યો જેથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે મહી બજાજ સાગર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું જેના કારણે કડાણા ડેમ છલકાયો અને એક સાથે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેથી ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. મહીસાગર કાંઠા વિસ્તારના તમામ નીચાંણવાળા ગામોને એલર્ટ કરાયા હતા અને નદી બે કાંઠે વહેતી થતા કેટલાય ગામોમાં મહીસાગર નદીના પાણી ગુસ્સ્યા હતા. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
આ વાતને આજે ચાર દિવસ થઈ ચૂક્યા છે અને નદીમાં તો પાણી ઓસરી ચૂક્યા છે પરંતુ પૂરના પાણીએ સર્જેલા પ્રકોપથી લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મહીસાગર કાંઠા વિસ્તારના લુણાવાડા તાલુકાના રાબડીયા ગામના ખલાસા ફળિયા અને આસપાસના ગામોમાં મહી નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સ્થિતિ કફોડી બની છે. હાલ પણ ખેતરોમાં બે થી ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયેલા છે તો કેટલાક ખેતરોમાંથી પાણી ઓરસ્યા છે પરંતુ તેમાં કરેલો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.
લુણાવાડા તાલુકામાં આવેલ કોઠંબા વિભાગના ગામોના કે જ્યાં પૂરના પાણીએ પ્રકોપ સર્જો છે. લુણાવાડાનું રાબડીયા ગામ જેનું ખલાસાફળિયું જ્યા abp asmita ની ટીમ પૂરના પાણી રસ્તાઓ પરથી ઓસરતા ગામમાં પોહચી હતી અહીં જ્યાં હજી પણ ખેતરો બેટમાં ફેરવાયેલા છે. ખેતરોમાં 3 ફૂટથી લઈ 6 ફૂટ સુધી પાણી ભરાયેલા છે અને દૂર દૂર સુધી બસ પાણી જ પાણી નજરે પડે છે. જે જોતા જ અંદાજ લગાવી શકાય કે તે ખેતરમાં વાવેલ પાકની શુ હાલ થઈ હશે. ખેતરોમાં ડાંગર, સોયાબીન, મકાઈ,મગ,કપાસ સહિત શાકભાજીના પાકો નષ્ટ થયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો તેમને થયેલ નુકસાનની સહાય મળે તેવી સરકાર પાસે માગ કરી રહ્યા છે.
ખલાસા ફળિયાના બીજા ભાગના કે જ્યાં મકાનોમાં મહીં નદીના પાણી ફરી વળ્યાં હતા ઘરમાં 4થી 5 ફૂટ સુધી પાણી ફરિવળતાં તમામ લોકોને પ્રશાસન દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા. કોઈ જાનને નુકસાન નથી પોહચ્યું પરંતુ ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ઘરમાં રહેલ તમામ સામાન પલળી ગયો હતો અને ખાવા માટે ઘરમાં રાખેલ અનાજનો જથ્થો તે પણ પલડી ગયો છે અને ઊગી નીકળ્યો છે. સ્થાનિકો જણાવી રહ્યા હતા કે ઘરમાં ખાવા અનાજ નથી, ચૂલા પર જમવાનું બનાવતા તે ચૂલા અને લાકડા પલડી ગયા છે, અત્યારે તો બાજુના ફળિયાના લોકો જમવાનું આપી જાય છે તે જમીએ છીએ. અમારે પશુઓને ખાવા માટે પણ ઘાસચારો બચ્યો નથી ખેતરો પાણીમાં ઘરકાવ છે. બીજી તરફ સૂકો ઘાસચારો પલડી ગયો છે અત્યારે તો બીજા ફડીયામાંથી પશુઓ માટે પણ ઘાસચારો આપે છે તે ખવડાવીએ છીએ.
સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા કે પહેલા સારો વરસાદ વરસ્યો જેથી સારુ વાવેતર કર્યુ હતું પરંતુ પાછળથી દોઢ મહિનો વરસાદ ખેંચાયો હતો જેથી અડધો પાક સુકાઈ ગયો હતો અને બાકી રહેલ પાક ભારે વરસાદમાં નષ્ટ થયો છે ત્યારે આ પુરના પાણીમાં થયેલ વ્યાપક નુકસાનનો યોગ્ય રીતે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.