અમદાવાદઃ ગુજરાતભરમાં અનરાધાર અને સતત પડી રહેલા વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન પહોંચ્યું છે. જેમાં તલમાં સૌથી વધુ નુકસાન થયું છે. મગફળીમાં સફેદ ફૂગ આવી ગઈ છે. કપાસમાં ચુસિયા નામનો અને બાજરીમાં ગુદરિયા નામનો રોગ ફેલાયો છે.


નદી કાંઠાના, નીચાણવાળા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો માટે ડેમના પાણી વિનાશકારી સાબિત થઈ રહ્યા છે. કારણ કે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

ખેતી નિષ્ણાંતોના મતે જો હજુ ચાર દિવસ આવોને આવો વરસાદ રહેશે તો ખરીફ પાકને ખુબ મોટું નુકસાન થઈ શકે છે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજ્યમાં 82 લાખ 89 હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે. 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં 97.74 ટકા ખરીફ વાવેતર સંપન થઈ ચુક્યું છે.

ગુજરાતમાં રાજ્ય માટે હજુ પણ આગામી 24 કલાક ભારે છે. આજે રાજ્યના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલમાં રાજસ્થાન પાસે એક લોપ્રેશર સર્જાયું છે. તો અરબી સમુદ્રમાં એક સાઈક્લોનિક સરક્યુલેશન પણ સરાજ્યું છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ આજે અને આવતીકાલે ધોધમાર વરસાદ વરસી શકે છે. મોરબી, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, બનાસકાંઠા, પંચમહાલ, દ્વારકા, દાહોદ, પાટણ, સાબરકાંટા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શખ્યતા છે.

ભારે વરસાદની આગાહીના પગલે બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. હવામાન વિભાગના મતે રાજયમાં અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા 18 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.