દેવભૂમિ દ્વારકા:  દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી છે. દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  દ્વારકાથી 20 કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચ્યા છે. જ્યોર્તિર્લિંગની આસપાસ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  મંદિરની બહાર રહેલી દુકાનોથી લઈને મંદિરની અંદર સુધી તબાહી જોવા મળી રહી છે. શનિ મંદિર, હનુમાન મંદિર પણ ક્ષતિગ્રસ્ત થયા છે, જો કે મૂર્તિઓને નુકશાન નથી થયું. મંદિરના પ્રાંગણમાં 40 વર્ષ જૂના વૃક્ષો ધરાશાયી થયા છે.  બિપરજોય વાવાઝોડાએ દ્વારકા જિલ્લામાં ખૂબ જ નુકશાન કર્યું છે. 




ભયંકર વાવાઝોડામાં જ્યાં કોઈ ન પહોંચી શક્યું ત્યાં ABP અસ્મિતા ની ટીમ પહોંચી હતી. દ્વારકાથી લગભગ 20 કિલોમીટર દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવ્યું  છે. મંદિર પરિસરમાં વાવાઝોડાના કારણે તબાહી સર્જાઈ છે. ABP અસ્મિતાની ટીમ  મંદિર સુધી પહોચી અને નુકશાનીનો ચિતાર મેળવ્યો હતો મંદિર બહારની દુકાનોથી લઈને મંદિરની અંદર તબાહીનું તાંડવ જોવા મળી રહ્યું છે. શનિ મંદિર, હનુમાન મંદિર ક્ષતિગ્રસ્ત થયા છે. નાગેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા છે.  



ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે. આ ઉપરાંત ગાજ- વીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જે મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર ,ખેડા,આણંદ,સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી,દિવમાં વરસાદની આગાહી છે.અહીં પવન ગતિ 40 કિલો મીટર પ્રતિકલાક રહેશે. જ્યારે અરવલ્લી , દાહોદ, વડોદરા,ભરૂચ , સુરત, નર્મદા, મહીસાગર, પંચમહાલ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ , દમણ દાદારનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.     


રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ભારે પવન સાથે વરસાદ


બિપરજોય વાવાઝોડાની અસરને લઈ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  જામકંડોરણામા ભારે પવન ફૂંકાતા ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે.  ધોરાજી, જામકંડોરણા વચ્ચે ભારે પવન ફૂંકાતા રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે.  વૃક્ષો ધરાશાયી થતા જામકંડોરણા પોલીસ કર્મીઓએ વૃક્ષો કાપી રસ્તો ફરી ચાલુ કરાવ્યો હતો. પોલીસ કર્મચારીઓની સરાહનીય કામગીરી જોવા મળી છે.