બિપરજોય વાવાઝોડાને પગલે સંઘ પ્રદેશ દમણના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.  દરિયામાં ઉંચા મોજા ઉછળતા દમણના દરિયાકાંઠે કલમ 144 લાગુ કરી દેવામાં આવ્યું છે. દેવકા, જામપોર અને લાઈટહાઉસ બીચથી પર્યટકોને હટાવવામાં આવ્યા હતા. દમણ બીચ પર પ્રવેશતા તમામ રસ્તા કોર્ડન કરાયા હતા. દરિયાના પાણી નમો પથના વોક વે સુધી પહોંચ્યા હતા.


બિપોરજોય વાવાઝોડાને પગલે દમણ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. દમણનો દરિયો તોફાની બનતા પર્યટકોને દરિયા કિનારેથી દૂર કરવામાં આવ્યા હતા. દમણ બીચ પર પ્રવેશતા તમામ રસ્તા કોર્ડન કરાયા હતા.


કોડિનારમાં દરિયાના મોજાની થપાટથી મકાન થયું ધરાશાયી


ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથના કોડિનારના મૂળ દ્વારકા બંદર પર દરિયા કિનારે મકાન ધરાશયી થયું હતું. દરિયાના મોજાની થપાટ લાગતા મકાન ધરાશાયી થયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. મકાન ભગુબેન ફુલબારીયા નામની મહિલાનું હતું. છેલ્લા 5 દિવસમા કુલ 10 જેટલા મકાન ક્ષતિગ્રસ્ત થયા હતા.


કંડલા ગામ ખાલી કરાયુ


કચ્છના કંડલા પોર્ટ પર બિપરજોયની અસર શરૂ થઇ છે. હાલમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. કંડલા સિગ્નલ ઓફિસે પવનની ગતિ 70 કીલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 150 કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ગણતરીના કલાકોમાં બિપરજોય કચ્છના દરિયાકાંઠે અથડાશે. કંડલા પોર્ટ હાલ બંધ છે. કંડલા ગામ પણ ખાલી કરી દેવાયુ છે.


74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું


અત્યાર સુધીમાં 74 હજારથી વધુ લોકોને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બહાર કાઢીને અસ્થાયી આશ્રય શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. એકલા કચ્છ જિલ્લામાં આશરે 34,300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જામનગરમાં 10,000, મોરબીમાં 9,243, રાજકોટમાં 6,089, દેવભૂમિ દ્વારકામાં 5,035, જૂનાગઢમાં 4,604, પોરબંદર જિલ્લામાં 3,469ને ખસેડવામાં આવ્યા છે.


ચક્રવાતના સંભવિત દસ્તક પહેલાં, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે કુલ 33 ટીમોને તૈનાત કરી છે. NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી છે, એક ટીમને દીવમાં તૈનાત કરવામાં આવી છે. દીવ ઉત્તરમાં ગુજરાતના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓથી અને ત્રણ બાજુએ અરબી સમુદ્રથી ઘેરાયેલું છે. ગુજરાતમાં NDRFની તૈનાતી વિશે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે NDRFની ચાર ટીમો કચ્છ જિલ્લામાં, ત્રણ-ત્રણ રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં, બે જામનગરમાં, એક-એક પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે