બનાસકાંઠા: કાંકરેજના ઉંબરીમાં નદીમાંથી કાકા અને ભત્રીજાની લાશ મળી આવી છે. ગઈકાલે 13 વર્ષીય ભત્રીજા ઘટાડ નરસિંહભાઈની લાશ મળી તો મોડી રાત્રે 33 વર્ષીય કાકા વાલ્મિકી રવજીભાઈની લાશ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક તરવૈયાની બે દિવસ શોધખોળ બાદ લાશ મળી આવી છે. પાણીમાં લાંબો સમય રહેવાથી લાશ ફૂલી ગઈ હતી. હાલમાં બન્ને મૃતદેહોને પીએમ અર્થે શિહોરી ખાતે મોકવામાં આવ્યા છે.
ગઈ કાલે બે યુવકો ડૂબ્યા હતા
કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં ગઈકાલે બે યુવકો ડૂબ્યા હતા. ઉંબરી ગામનાં વાલ્મિકી પરિવારના બે યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ ગઈકાલે મળી આવ્યો હતો. બનાસ નદીના પાણીના પ્રવાહમાં આ બે યુવાનો ડૂબ્યા હતા. બે દિવસમાં છ યુવાનો બનાસ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે.
કોન્ટ્રાક્ટર ખુલ્લી તલવાર સાથે કારખાનામાં ઘુસી ગયો
Morbi : મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં હાલ એક મહિનાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આજે પીપળી રોડ પર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેક્ટરીનો કોન્ટ્રાકટર ખુલ્લી તલવાર લઈને કારખાનામાં ધસી ગયો હતો અને કારખાનાના ભાગીદારોને ધમકાવી કોન્ટ્રાકટ બાબતે ધાક ધમકીઓ આપી હતી. આ ઘટના બાબતે નારાજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
ઉદ્યોગપતિઓ પોલીસ મથકે દોડી ગયા
સ્પેન્ટાગોન નામની ફેકટરીમાં જનરેટર કોન્ટ્રાકટ ચલાવતો ઇસમ રણદીપ ખુલ્લી તલવાર સાથે ફેકટરીમાં આવીને કોન્ટ્રાકટ મામલે કારખાનાના ભાગીદારો સાથે બોલાચાલી કરી હતી અને આતંક મચાવ્યો હતો જે લુખ્ખાગીરી અને ધાકધમકીથી ભોગ બનેલા ઉદ્યોગપતિઓ તેમજ સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, યુવા અગ્રણી અજયભાઈ લોરિયા તેમજ મોટી સંખ્યામાં સિરામિક ઉધોગપતિઓ તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા.
શટડાઉન હોવાથી કોન્ટ્રાકટ પડતો મુકવાની વાત હતી
મામલે સ્પેન્ટાગોન ફેકટરીના ભાગીદાર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે રણદીપ જનરેટરનો કોન્ટ્રાકટ ચલાવે છે અને હાલ શટડાઉન લીધું હોવાથી કોન્ટ્રાકટ મુકાવવાની વાત હતી. જેથી કોન્ટ્રાકટરે ખુલ્લી તલવાર સાથે આવીને મારો કોન્ટ્રાકટ જ ચાલુ રહેશે અને મારો માણસ ત્યાંથી હટશે નહિ કહ્યું હતું અને પેમેન્ટ આપવા જણાવ્યું હતું. જોકે કોન્ટ્રાકટરને કોઈ પેમેન્ટ ચુકવણી બાકી ન હોય જેથી ફેકટરીના ભાગીદારે પેમેન્ટ બાકી નથી કહ્યું હતું જેથી હથિયાર લઈને આવી લુખ્ખા તત્વની જેમ આતંક મચાવી ભયનો માહોલ ઉભો કર્યો હતો.