ભરૂચઃ ભરૂચમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં પુત્રી સાથે એક્ટિવા પર જઈ રહેલી યુવતીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં કરૂણ મોત નિપજ્યું હતું. ગળું કપાતાં યુવતીનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું પણ આ ઘટનામાં 9 વર્ષની પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉત્તરાયણ નજીક છે ત્યારે પતંગના દોરાએ ભરૂચમાં એક યુવતીનો લીધો હોવાની ઘટના બની છે.


ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલી અરૂણોદય બંગ્લોઝ ખાતે રહેતી યુવતી તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રીજ પરથી પસાર થઇ રહી હતી. એ વખતે અચાનક તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ ગયું હતું અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. તેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તેમની બાળકી એક્ટિવા સ્લીપ થતાં બાજુમાં પીઠભેર પડતાં તેનો આબાદ બચાવ થયો હતો.


ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરૂણોદય બંગ્લોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજે પોતાના ઘરેથી એક્ટીવા પર 9 વર્ષની પુત્રી સાથે નિકળી હતી. અંકિતા વેજલપુર ખાતે આવેલી સાસરીમાં કામ અર્થે જવા નિકળ્યાં હતાં.  અંકિતા મિસ્ત્રી ભોલાવ ખાતેના ભૃગુ ઋષિ બ્રીજ પરથી પસાર થતાં હતાં તે સમયે પતંગનો દોરો ગળાના પર આવી તેમનું એક્ટિવા બાઇક સ્લીપ થઇ ગયું હતું. આ  ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.


લોકોએ  તેમને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો પણ તેમના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હતો. માતાને લોહીલુહાણ જોઇને પુત્રી પણ રોકકળ કરવા લાગી હતી. ગંભીર રીતે ઘવાયેલાં અંકિતાને તાત્કાલિક 108 એમ્બ્યુલ્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં રહતાં.  તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.


હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની પુત્રીમા આક્રંદે લોકોની આંખો ભીની કરી દીધી હતી.  આ ઘટનાની જાણ કરાતાં પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં. ભરુચ એ ડિવિઝન પોલીસે આકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.