Gambhira Bridge Collapse: પાદરા-આણંદને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા પુલ બુધવારે સવારે આશરે 7.30 વાગ્યે ધરાશાયી થયો, ને કાળ બનીને આવ્યો. આ ગોઝારી ઘટનાને 33 કલાકથી ય વધુ ટાઈમ થઈ ગયો છે, ને મૃત્યુઆંક વધીને 16 પર પહોંચી ગયો છે! હજીયે 3 લોકો લાપતા છે, ને એમના મૃતદેહ પાણીમાં ફસાયેલા હોવાની આશંકા છે. આજે સવારે પણ નદીમાંથી 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. NDRF ને SDRF ની ટીમો સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.
રેસ્ક્યુ ઓપરેશનમાં આવી રહેલી મુશ્કેલીઓ ને હજુય લાપતા લોકોને શોધવા માટે, ગામના લોકોના હૈયા કંપી ઉઠ્યા છે. ડભકાના પૂર્વ સરપંચ મહેન્દ્ર જાધવ સહિત ઘણા ગામલોકો મહીસાગર નદી કિનારે પહોંચ્યા ને વિશેષ પૂજા કરી. એમણે મહીસાગર નદીને 'માતા' કહીને વિનવ્યા, "મહીસાગર નદી અમારી માતા સમાન છે. માતા કોઈ દિવસ ક્રોધિત ન થાય. હે માતાજી, તમે પ્રાર્થના છે કે રેસ્ક્યુમાં કોઈ ચમત્કાર કરો ને હજુ જે જીવ ફસાયેલા છે, એ બધા મળી જાય!"
આ કમભાગી જીવ કાળનો કોળિયો બન્યા
આ ઘટનામાં જેમના મૃતદેહ મળ્યા છે, એમની યાદી અહીં આપેલી છે:
- 01. રમેશ પઢીયાર – મુજપુર, પાદરા
- 02. વૈદિકા પઢીયાર – મુજપુર, પાદરા
- 03. નૈતિક પઢીયાર – મુજપુર, પાદરા
- 04. વખતસિંહ જાદવ – કહાનવા, ભરૂચ
- 05. હસમુખ પરમાર – મજાતણ, પાદરા
- 06. રાજેશ ચાવડા – આંકલાવ, આણંદ
- 07. પ્રવીણ જાદવ – ખંભાત
- 08. કાનજીભાઈ માછી – આંકલાવ, આણંદ
- 09. જશુભાઈ હરિજન – ગંભીરા, આણંદ
- 10. પર્વતભાઈ વાગડિયા – સરસવા, ગોધરા
- 11. મેરામણ હાથિયા – દ્વારકા
- 12. વિષ્ણુભાઈ રાવળ – આણંદ
- 13. મોહન ચાવડા – આણંદ
- 14. ભુપેન્દ્ર પરમાર – આણંદ
- 15. અતુલ રાઠોડ – બામણગામ
- 16. યોગેશ ચૌહાણ – ભરૂચ
પાદરાના મુજપુરના એક જ ઘરના રમેશ પઢીયાર, એમની દીકરી વૈદિકા ને દીકરા નૈતિકનો પણ આ અકસ્માતમાં ભોગ લેવાયો, જે ખરેખર કાળજું કંપાવનારી ઘટના છે.
રેસ્ક્યુમાં મુશ્કેલીઓ ને સરકારી તંત્ર હરકતમાં
મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્રને જોડતા આ પુલના બે ટુકડા થઈ ગયા, ને એ ટાણે પુલ ઉપરથી પસાર થતી એક ટ્રક, બે ઈકો ગાડી, એક પીક અપ જીપ, ને બે મોટરસાયકલ સહિત કુલ 7 જેટલા વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા. દસથી વધુ લોકોને પાણીમાંથી બચાવી લેવાયા છે, ને બધા ઘાયલોને વડોદરાની સયાજી હોસ્પિટલ ને પાદરાના પીએચસી સેન્ટર સહિત જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડાયા છે.
આજે સવારથી જ બે કાંઠે વહેતી મહી નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટનામાં હજુ પણ વાહનો પણ નદીમાં ફસાયેલા છે, ને એમને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરાશે. નદીમાં સતત વધતા પાણીના પ્રવાહને લીધે રેસ્ક્યુમાં ભારે તકલીફ પડી રહી છે. ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે શોધખોળની કામગીરી બંધ કરવી પડી હતી.
તપાસના આદેશો અપાયા, કમિટી બની
આજે સવારથી જ માર્ગ અને મકાન વિભાગના મોટા અધિકારીઓની ટીમ તપાસ કરવા સ્થળ પર પહોંચી છે. જેમાં મુખ્ય ઇજનેર સી. પટેલ, એન. કે. પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર કે. એમ. પટેલ, એમ.બી. દેસાઈ ને એન. વી. રાઠવા પણ જોડાયા છે. તૂટી પડેલા પુલના ભાગને જો જરૂર પડે તો તોડી પાડવા માટે કલેક્ટરે સૂચના આપી છે.
આ પુલની તપાસ માટે 6 લોકોની એક કમિટી પણ બનાવાઈ છે, ને એમને આવનારા 30 દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરીને આપવાનો આદેશ કરાયો છે. નોંધનીય છે કે, ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરત જ માર્ગ અને મકાન વિભાગને તપાસના ઓર્ડર આપી દીધા હતા. એમણે ચીફ એન્જિનિયર - ડિઝાઇન, ચીફ ઇજનેર - સાઉથ ગુજરાત ને પુલ બનાવવામાં માહેર એવા બીજા 2 ખાનગી ઇજનેરોની ટીમને ઘટના સ્થળે પહોંચીને પુલ કેમ તૂટ્યો એના કારણોની તપાસ કરી ને રિપોર્ટ આપવા કીધું છે. ઘાયલ થયેલા લોકોની સારવાર માટે વડોદરા કલેક્ટર સાથે વાતચીત કરીને તરત જ વ્યવસ્થા કરવાની સૂચનાઓ પણ આપી દેવાઈ છે.