અમદાવાદ-બોટાદ જિલ્લાની હદમાં આવેલા ગામમાં સર્જાયેલા કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 39 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પર 60થી વધુ લોકો અમદાવાદ, ભાવનગર અને બોટાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નશાખોરી પર અંકુશના દાવા કરનાર સરકાર પર નિષ્ફળતાનું લાંછન લગાવે તેવી સૌથી મોટી માનવસર્જીત જીવલેણ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

Continues below advertisement

ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે એટલે બોટાદની ઘટનામાં કેમિકલ પીવાથી મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકાર આ ઘટનાને લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલકાંડ કહી રહી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ કરી દાવો કર્યો કે અમદાવાદના નારોલ નજીક પીપળજની કંપનીમાંથી 600 લીટર મિથાઈલ આલ્કોહોલ કેમિકલની ચોરી કરીને 40 હજાર રૂપિયામાં ગેરકાયદે વેચવામાં આવ્યુ અને તેમા પાણી ભેળવીને કેટલાક ગામમાં અપાયું.

સરકાર અને પ્રશાસન પોતાની નિષ્ફળતા છૂપાવવા 24 કલાકમાં જ રાણપુર, ધંધુકા અને બરવાળામાં અલગ-અલગ ત્રણ ફરિયાદ નોંધી કુલ ૩૩ આરોપી સામે ગુનો નોંધ્યો છે. તો કેમિકલ વેચનાર મુખ્ય સુત્રધાર જયેશ ઉપરાંત મિથાઈલ કેમિકલ ખરીદનાર ત્રણ મુખ્ય બૂટલેગર સંજય, પિન્ટુ અને અજીત સહિત 14ની ધરપરડ કરી છે. આ ઉપરાંત 20 લોકોને રાઉંડ અપ કર્યા છે.

Continues below advertisement

બીજી તરફ બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડના પગલે ગુજરાત સરકાર અને સરકારી પ્રશાસન દોડતું થયુ છે. મિટિંગોનો દૌર કરીને સમગ્ર રાજ્યમાં દારૂ અને નશીલા કેમિકલના વેચાણ કરનાર સામે કડક પગલાના આદેશ કરાયા છે.

દારૂ ભરખી ગયો સ્વજનોને

બોટાદ જિલ્લામાં સર્જાયેલા કેમિકલ લઠ્ઠાકાંડમાં અનેક ઘર ઉજડી થયા છે. બોટાદના રોજિદ ગામના પાંચ લોકોના ઝેરી દારૂ પીધા બાદ મોત નિપજ્યા. તો આકરુ ગામમાં બે સગા ભાઈના દારૂ પીવાથી થયા મોત. પહેલાં 26 વર્ષીય ભાવેશનું થયું મોત. બાદમાં તેના ભાઈ કિશનનું થયું મોત. દારુના કારણે 12 કલાકમાં જ પિતાએ પોતાના 2 દીકરા ગુમાવ્યા છે. આકરુ ગામમાં પરિવાર નાના દિકરાના અંતિમ સંસ્કાર પતાવીને ઘરે આવ્યા. તો જોયું કે નાના ભાઈની માફક જ મોટા ભાઈ કીશનભાઈ ચાવડા પણ ઉલટીઓ કરી બેભાન અવસ્થામાં પડ્યા છે. આ જોતા જ પરિવારના લોકોના હોંશ ઉડી ગયા. તાત્કાલીક ફરી 108 બોલાવવામાં આવી અને તેમને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા પણ કીશનનું પણ નાનાભાઈની માફક ઝેરી દારુ પીવાના કારણે મોત નીપજ્યું. ઘરમાં 2 દીકરાનું એકાએક મોત થતા પિતાના માથે આફતોનો પહાડ તૂટી પડ્યો છે. તેઓ વિચારી નથી શકતા કે આગળ શું કરવું?

પિતાએ જણાવ્યું કે મારા ઘરમાં 10 વ્યક્તિ છે, મારા 4 દીકરા છે પરંતુ સારુ કમાવનાર આ બંને દીકરા જ હતા. તો રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા પ્રદીપભાઈ 2 દીકરીનો બાપ હતા અને પરિવારમાં એકમાત્ર કમાનાર હતો. તેમના મોતથી પરિવાર નિ:સહાય થઈ ગયો છે. તેમની 3 અને 5 વર્ષની દીકરી આજે પપ્પાના ઘરે આવવાની રાહ જોઈ રહી છે. ગામમાં આવા કેટકેટલાય લોકોના જીવ ગયા છે અને ત્યાનું વાતાવરણ ગમગીન બન્યું છે. તો ઊંચડી ગામમાં બે આધેડના થયા મોત. ગગજીભાઈ અને જયંતીભાઈ પિતરાઈ ભાઈ હતા. બંનેના મળી કુલ 12 સંતાન છે.