Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના સ્થાને અવિનાશ પાંડેને યુપી કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સચિન પાયલટને છત્તીસગઢમાં પ્રભારી બનાવી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ગુજરાત કૉંગ્રેસના બે નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.  






દિપક બાબરીયા અને ભરતસિંહ સોલંકીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.  ભરતસિંહ સોલંકીને જમ્મુ અને કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દીપક બાબરીયાને દિલ્હી અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે.  


સંગઠનમાં આ ફેરબદલ વચ્ચે પ્રિયંકા ગાંધીને હજુ સુધી કોઈ પોર્ટફોલિયો આપવામાં આવ્યો નથી. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ મુકુલ વાસનિકને ગુજરાત પ્રભારી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે જીતેન્દ્ર સિંહને આસામ અને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. રણદીપ સિંહ સુરજેવાલાને કર્ણાટક અને દીપક બાબરિયાને દિલ્હી-હરિયાણાનો હવાલો મળ્યો છે. કુમારી શૈલજાને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે.  સંગઠનમાં સંચારની જવાબદારી વરિષ્ઠ નેતા જયરામ રમેશને સોંપવામાં આવી છે. સિનિયર કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ સંગઠનની જવાબદારી સંભાળી રાખશે.


તમને જણાવી દઈએ કે ગત 21 ડિસેમ્બરે જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની હાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ હારની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને અન્યોએ પણ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે શું રણનીતિ હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


જ્યારે કુમારી શૈલજાને ઉત્તરાખંડના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે કેસી વેણુગોપાલ સંગઠનના મહાસચિવ રહેશે અને હાલમાં પ્રિયંકા ગાંધી પાસે કોઈ રાજ્યની જવાબદારી નથી.