ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ એક્શનમાં આવી ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે. અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. કેજરીવાલ 11 મેએ રાજકોટ આવશે. સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. રાજકોટમાં કેજરીવાલનો રોડ શો અને જાહેર સભા યોજાશે. કેજરીવાલ રાત્રી રોકાણ પણ રાજકોટ કરે તેવી સંભાવના છે. જો કે આ પહેલા પહેલી મેએ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે અને છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે અને ત્યારબાદ આદિવાસી મહાસંમેલનનું આયોજન કરાયું છે.
કોંગ્રેસના પૂર્વ MLA નવાજૂનીના મૂડમાં, ટેકેદારો સાથે બે કલાક કરી બેઠક
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ કમર કસી રહી છે તો બીજી તરફ નારાજ નેતાઓ પણ પાર્ટીનું ટેન્શન વધારી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નારાજગીના કારણે નિષ્ક્રિય થયેલા પૂર્વ MLA કામિનીબા નવાજૂનીના મૂડમાં છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ટેકેદારોની બેઠક યોજી હતી. આગામી સમયમાં શું કરવું તે અંગે ટેકેદારો સાથે ચર્ચા કરી હોવાની વાત સામે આવી છે. ગુરુવારે રાત્રે કામિનીબા અને ટેકેદારો વચ્ચે આ બેઠક બે કલાક ચાલી હતી. પક્ષમાં થયેલા અન્યાય અંગે ટેકેદારોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. પ્રભારી રઘુ શર્માએ મિટિંગ કરવાનું કહેતા હાલ થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી છે. એક તરફ હાર્દિકના નિવેદનોએ અને બીજી તરફ કામિનીબાની આ બેઠકે કોંગ્રેસને આગામી સમયમાં વિચારવા મજબૂર કરી છે.
11 વખત ધારાસભ્ય બનેલા કોંગ્રેસના આ નેતાએ 2022માં ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 ન લડવાની જાહેરાત કરી છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક - 182 પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે 1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. મોહનસિંહ રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે.
આ અંગે એબીપી અસ્મિતા સાથેની વાતચીત દરમિયાન મોહનસિંહ રાઠવાએ કહ્યું કે 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું. મારી લાગણી એવી છે કે ગુજરાતના યુવાનો રાજકારણમાં આવે. જે લોકો વર્ષોથી વિધાનસભાના સભ્ય તરીકે રહ્યાં હોય એમણે રાજીખુશીથી યુવાનોને આગળ લાવવા જોઈએ.