નવી દિલ્હી: રાજધાન દિલ્હીમાં સીઆરપીએફના વધુ 68 જવાન કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા છે. તમામ જવાન પૂર્વી દિલ્હીમાં એક બટાલિયન કેમ્પ સાથે જોડાયેલા હતા. બે અઠવાડિયામાં આ બટાલિયનમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 122 થઈ છે જ્યારે સીઆરપીએફમાં કોવિડ-19ના કેસની સંખ્યા 127 છે, જેમાંથી એક જવાન સ્વસ્થ થયો છે અને એકનું મોત થયું છે. અધિકારીઓ મુજબ, આશરે 100 સીઆરપીએફ જવાનોનાટેસ્ટિંગના રિઝલ્ટ આવવાના બાકી છે.


શુક્રવારે સીઆરપીએફના 12 જવાન કોરોના પોઝિટિવ મળ્યા હતા. તમામ 12 જવાન પૂર્વ દિલ્હીના મયુર વિહાર સ્થિત સીઆરપીએફની 31મી બટાલિયનના છે. બટાલિયનના બેસ કેમ્પથી કેટલાક કિલોમીટર દૂર મંડાવલીમાં દિલ્હી સરકારના એક કેંદ્રમાં તેમને ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે.

રાજધાની દિલ્હીને રેડ ઝોનમાં રાખવામાં આવી છે. એટલે અહીં 4 મેથી 17 મે દરમિયાન કોઈપણ વિસ્તારમાં છૂટ નહી આપવામાં આવે. દિલ્હી સરકારે જાણકારી આપતા કહ્યું કે દિલ્હીના તમામ જિલ્લા 17 મે સુધી રેડ ઝોનમાં રહેશે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું કે આગામી બે અઠવાડીયા સુધી આ તમામ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારની છૂટ ન આપવાનો વિચાર કરવામાં આવ્યો છે.