Devbhumi Dwarka Rain: છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે અને આ કારણે સ્થિતિ વિકટ બની છે. સમગ્ર જિલ્લામાં અને કલ્યાણપુર તાલુકામાં 45 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. દ્વારકા જિલ્લાના 15 ડેમો પૈકી 9 ડેમો ઓવરફ્લૉ થયા છે. અનેક રૉડ-રસ્તાં પણ બંધ થયા છે. 


ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું છે. છાડવાવદર ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન થયું છે. છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાંથી નદીઓ વહેતી થઈ એવા દ્વશ્યો સામે આવ્યા છે.


રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યુ છે, ઠેર ઠેર વરસાદી માહોલ છે, અને સૌથી વધુ વરસાદ અત્યારે સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકામાં ખાબકી રહ્યો છે, લેટેસ્ટ આંકડા પ્રમાણે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે અને મોટાભાગના ડેમ ઓવરફ્લૉ થયા છે, તાજા આંકડા પ્રમાણે, દ્વારકાના 15 પૈકીના 9 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે, ખંભાળિયાનો ઘી ડેમ 90 ટકા ભરાયો છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. છેલ્લા 24 કલાકમાં પાણીમાં ફસાયેલા 19 લોકોનૂં આ વિકટ પરિસ્થિતિમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે, વરસાદી માહોલના કારણે અત્યારે દ્વારકા- સોમનાથ હાઈવે સહિત 11 રૉડ-રસ્તા બંધ સ્થિતિમાં છે. 


ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, દ્વારકાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. વરસાદના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારના લોકોનું સ્થળાતર કરાવવામાં આવ્યું છે. લોકોને શેલ્ટર હોમ તેમજ શાળાઓમાં સ્થળાંતર કરાયા છે. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે.