Mahashivratri 2024: આજે મહા શિવરાત્રિ છે. વહેલી સવારથી હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત રાજ્યભરમાં આજે મહા શિવરાત્રિના પર્વની આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી મંદિરો બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. સોમનાથ મહાદેવ ખાતે સતત 42 કલાક સુધી ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગત વર્ષે સોમનાથ મહાદેવના એક જ દિવસમાં 2 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. ત્યારે આ વર્ષે આટલો જ જનસૈલાબ ઉમટવાની શક્યતાને પગલે સવારે ચાર વાગ્યાથી મંદિર ખોલવામાં આવ્યુ છે.


શાસ્ત્રવિદોના મતે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મળે છે. સાથે જ યશ અને કિર્તીમાં વૃદ્ધિ થાય છે. મહામાસની અંધારી ચૌદશ એ શિવજીની અતિપ્રિય રાત્રિ છે અને તેની તે મહા શિવરાત્રિ કહેવાય છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિએ ભગવાન શિવની આરાધના 4 પ્રહરમાં કરવાનો મહિમા છે. જેનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.


મહાદેવ નો આજે ખાસ દિવસ એટલે કે મહા શિવરાત્રી છે જેને લય સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોચ્યાં છે અને લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.


બીજી તરફ રાજ્યનાં પૂર્વ સીએમ પણ સોમનાથ પહોંચ્યા છે. પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દર્શના પહેલા મીડિયા સાથે કરી વાત કરતા કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમા 400 પાર થાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા, તેથી આ તહેવાર દર વર્ષે શિવ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના ભક્તો ભક્તિ અને શ્રદ્ધા સાથે વ્રત રાખે છે અને શિવ અને ગૌરીની પૂજા વિધિ-વિધાનથી કરે છે.


કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે. આ વર્ષે ગ્રહોના શુભ સંયોગ અને શિવયોગના સર્વાર્થ સિદ્ધિ યોગને કારણે મહાશિવરાત્રીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. તેથી, આ વખતે મહાશિવરાત્રી વધુ વિશેષ હશે.